રાજકોટમાં મવડીના અમરનગર-2 માં પ્રેમલગ્ન કરનાર યુવતી સાથે અવારનવાર ઝઘડો કરી ત્રાસ આપનાર જમાઈએ સાસુ પર છરીથી હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, અમરનગરમાં રહેતી 22 વર્ષીય ઈશીતાબેન પરમારે દોઢ વર્ષ પહેલાં રૈયા ગામના ચેતન નરેશ પરમાર સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્નજીવનના થોડા સમય બાદથી આરોપી ચેતન તેની પત્નીને માતાના ઘરે જવા બાબતે તેમજ ફોન પર વાત કરવા બાબતે સતત રોકટોક કરી માનસિક ત્રાસ આપતો હતો. આ ત્રાસથી કંટાળીને પરિણીતા 12 ઓક્ટોબરે પોતાના માતૃગૃહે આવી ગઈ હતી.
અગાઉ પણ આરોપી ચેતને સાસરિયે આવીને વારંવાર બોલાચાલી અને ઝઘડો કરતો હતો. ગત 17મી તારીખે સાંજના સમયે આરોપી ફરીથી સાસરિયાના ઘરે ધસી આવ્યો હતો. આ સમયે સાસુએ તેને ત્યાંથી જતી રહેવા કહેતા ઉશ્કેરાયેલા જમાઈએ પોતાની પાસે રહેલી છરી કાઢીને સાસુના પગના સાથળના ભાગે ઘા ઝીંકી દીધો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યો હતો. આ હુમલાની ઘટના અંગે પરિણીતાની ફરિયાદના આધારે માલવિયાનગર પોલીસે પતિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

