વડોદરા શહેરમાં મહિલા સુરક્ષા સામે સવાલ ઊભી કરતી એક ઘટના સામે આવી છે, જ્યાં પીજીમાં રહીને અભ્યાસ કરતી કોલેજિયન યુવતીનો પીછો કરી અડપલાં કરનાર શખ્સ સામે 181 અભયમ હેલ્પલાઈને સમયસૂચકતા દાખવી ત્વરિત સહાય પૂરી પાડી છે અને પોલીસ સ્ટેશનમાં અરજી નોંધાવી હતી.
મદદના બહાને યુવતીનો મોબાઈલ નંબર લઈ લીધો શહેર વિસ્તારમાં પીજીમાં રહીને કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી એક યુવતીની તબિયત સારી ન હોવાથી તે રસ્તા પર ઉભી રહીને રેપિડો બુક કરવાનો પ્રયાસ કરી રહી હતી.
તે જ સમયે એક અજાણ્યો શખસ ફોરવ્હીલર ગાડી લઈને ત્યાં આવ્યો હતો અને યુવતીને મદદ કરવાનું કહીને વાતચીતમાં ફસાવી હતી. યુવતીએ ના પાડવા છતાં શખસે પોતે પોલિટિક્સમાં હોવાનું અને લોકોની સેવા કરતો હોવાનું જણાવી વિશ્વાસ કેળવ્યો હતો. એટલું જ નહીં, સરકારી દવા કરતા પ્રાઇવેટ હોસ્પિટલની દવાઓથી જલ્દી રાહત મળશે તેમ કહી તેણે યુવતીનો મોબાઈલ નંબર મેળવી લીધો હતો.
મળવાનું દબાણ કરી ગાડીમાં બેસાડી છેડતીનો પ્રયાસ આ પરિચયનો ગેરલાભ ઉઠાવીને તે શખસ અવારનવાર યુવતીને મળવા દબાણ કરતો હતો. ગઇકાલે તે શખ્સે યુવતીને ‘તારું હિમોગ્લોબિન ઓછું છે, સારી જગ્યાએ ટ્રીટમેન્ટ કરાવી દઉં’ તેમ કહી પોતાની ગાડીમાં બેસાડી હતી.
ગાડીમાં બેઠા બાદ શખ્સે યુવતી સાથે સારી વાતો કરવાનું નાટક કરી તેનો હાથ જોરથી દબાવ્યો હતો અને છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. પોતાની સાથે અઘટિત થતું જોઈને યુવતીએ તાત્કાલિક સમજદારી વાપરી ગાડીનો દરવાજો ખોલીને ત્યાંથી ભાગીને હોસ્ટેલ પહોંચી ગઈ હતી અને તે શખસનો નંબર બ્લોક કરી દીધો હતો.

