Gujarat

નો-એન્ટ્રીમાં ઘુસેલા ડમ્પરને રોકતા ટ્રાફિક પોલીસ પર હુમલો, લોકરક્ષકનો મોબાઈલ ફોન પણ છીનવી લીધો

વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં નો-એન્ટ્રીના નિયમોનું ઉલ્લંઘન કરી ઘુસેલા એક ડમ્પરને ટ્રાફિક પોલીસે રોકતા ઉશ્કેરાયેલા ચાલક અને તેના સાથીદારે પોલીસકર્મીઓને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ ફરજ પરના લોકરક્ષકનો મોબાઈલ ફોન પણ છીનવીને ફેંકી દીધો હોવાની ઘટના સામે આવી છે.

ડમ્પરને પોલીસે ચેક પોઈન્ટ પર અટકાવ્યું હતું શહેર ટ્રાફિક શાખા (પૂર્વ)માં ફરજ બજાવતા PSI એ.એસ. ચૌધરી અને લોકરક્ષક અશ્વિનકુમાર ખુશાલજીભાઈ પોતાની ડ્યુટી દરમિયાન તરસાલી રોયલ વિસ્તારના પોઈન્ટ ચેક કરી રહ્યા હતા. આ દરમિયાન તરસાલી બ્રિજ નીચેથી શહેર વિસ્તારમાં પ્રવેશેલા એક ડમ્પરને તરસાલી ચેક પોસ્ટ આગળ રોકવામાં આવ્યું હતું. ડમ્પરના ચાલક રમેશભાઈ પર્વતસિંહ રાવત (રહે. પંચમહાલ) પાસે વડોદરા શહેરમાં પ્રવેશવા માટેનું પાસ કે પરમિટ માંગવામાં આવતા તેની પાસે ન હોવાનું જણાયું હતું.

ડમ્પર ડિટેઈન કરવાની વાત કરતા મેહુલ ભરવાડને બોલાવ્યો ડમ્પર ચાલકે પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ બદલ વાહન ડીટેઈન કરવાની વાત કરતા પોતાના મોબાઈલથી મેહુલ ભરવાડ નામના શખ્સને ફોન કરીને બોલાવ્યો હતો.

થોડીવારમાં સ્થળ પર XUV લઈને આવેલા મેહુલ ભરવાડે ઉશ્કેરાઈને જણાવ્યું હતું કે, “તમે લોકો મને ઓળખતા નથી, હું મેહુલ ભરવાડ છું અને કોઈની તાકાત નથી કે મારી ગાડી જમા કરે”. આટલું જ નહીં, તેણે પોતાના ડ્રાઈવરને ઈશારો કરીને ધમકી આપી હતી કે, “આ લુખ્ખાઓ ગાડી ઉભી રખાવે તો તેમની ઉપર ગાડી ચડાવી દેવાની” અને પોલીસને જોઈ લેવાની ધમકી પણ આપી હતી.