Gujarat

નવસારીમાં વ્યાજખોરોનો ત્રાસ, 3.50 લાખની લોન સામે કાર પડાવી

નવસારીમાં વ્યાજખોરોનો ત્રાસ વધ્યો છે. લાયસન્સ વગર વ્યાજે પૈસા આપતા બે શખ્સોએ એક પરિવારને ધમકી આપી અર્ટિગા કાર પડાવી લીધી. પોલીસ ફરિયાદ મુજબ, સુમૈયાબેન શેખના પતિએ આર્થિક જરૂરિયાત માટે ઝૈદમહમદ શાહિદ શેખ અને મહમદશાહિદ અબ્દુલ રહેમાન શેખ પાસેથી 3.50 લાખ રૂપિયા 15% વ્યાજે લીધા. આ બંને પાસે વ્યાજે પૈસા આપવાનું લાયસન્સ નહોતું.

લોન લીધા પછી, ફરિયાદીના પતિ 30 દિવસમાં પૈસા ચૂકવી શક્યા નહીં. આરોપીઓએ ફેબ્રુઆરી 2025 થી જૂન 2025 દરમિયાન વ્યાજ પેટે 4.27 લાખ રૂપિયા વસૂલ્યા. આટલા પૈસા ચૂકવ્યા છતાં, તેમણે કાર બળજબરીથી પડાવી લીધી.

કાર પડાવ્યા પછી પણ આરોપીઓએ પરિવારને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી. તેમણે 10 લાખ રૂપિયાની વધુ માંગણી કરી હેરાન કર્યા. નવસારી ટાઉન પોલીસે ગુજરાત નાણાં ધિરાણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.