Gujarat

ટોયોટા હાઇરાઇડર કારમાંથી 497 બોટલ સાથે રાજસ્થાનના બે શખ્સો પકડાયા, 14 લાખનો મુદ્દામાલ જપ્ત

મહેસાણા-અમદાવાદ નેશનલ હાઇવે પરથી પસાર થતી ગેરકાયદે વિદેશી દારૂની હેરાફેરી સામે નંદાસણ પોલીસે લાલ આંખ કરી મોટી સફળતા મેળવી છે. સત્યમેવ જીઆઈડીસીના ગેટ સામે હાઇ-વે રોડ પર પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને વિદેશી દારૂ ભરેલી શંકાસ્પદ ટોયોટા હાઇરાઇડર કાર ઝડપી પાડી હતી. પોલીસે કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 497 નંગ સીલબંધ બોટલો, મોબાઈલ ફોન અને મોંઘીદાટ કાર મળીને કુલ ₹14,11,744.70નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઘટનાસ્થળેથી રાજસ્થાનના બે બુટલેગરોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દારૂ મંગાવનાર અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કરાયો છે.

ખોટી નંબર પ્લેટ લગાવી અમદાવાદ તરફ દારૂ લઈ જવાતો હતો જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ અને કડી ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિની સૂચના મુજબ નંદાસણ પોલીસ સ્ટેશનની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, બોગસ નંબર પ્લેટ લગાવેલી સફેદ રંગની ટોયોટા હાઇરાઇડર કારમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને મહેસાણા-અમદાવાદ નેશનલ હાઇ-વે પરથી અમદાવાદ તરફ રવાના કરવામાં આવ્યો છે.

બાતમી મળતાં જ પોલીસે નાયરા પેટ્રોલપંપ નજીક નાકાબંધી ગોઠવી દીધી હતી. શંકાસ્પદ કાર નજરે પડતાં પોલીસે તેને રોકવાનો ઈશારો કર્યો હતો, પરંતુ કારચાલકે ગાડી ઊભી રાખવાને બદલે સર્વિસ રોડ પર પૂરપાટ ઝડપે ભગાવી મૂકી હતી. પોલીસે ત્વરિત પીછો કરી ઉમાનગર પાસે આગળ અન્ય વાહનો આડાં ઊભાં રાખી કારને ઘેરી લીધી હતી અને તેમાં સવાર બે શખ્સોને ઝડપી લીધા હતા.