જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં મેધનુ ગામના પાટિયા પાસે સર પી.એન. રોડ પર અકસ્માત થયો. ટ્રકે બાઇકને ટક્કર મારતા 35 વર્ષીય મહિલા વસંતીબેનનું ઘટનાસ્થળે મોત થયું. તેમના પતિ ગુમાનસિંહને સામાન્ય ઈજાઓ થઈ હતી. મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના ગુમાનસિંહ સોમલા ભાભોર હાલ લાલપુરના પીપળી ગામે મજૂરી કરે છે. તેઓ પત્ની વસંતીબેન સાથે બાઇક પર નવાગામ મજૂરી કામે જઈ રહ્યા હતા.
મેધનુ ગામના પાટિયા પાસે પેટ્રોલ ભરાવી તેઓ રોડ પર આગળ વધ્યા. તે સમયે પાછળથી પૂરપાટ ઝડપે ટ્રકના ચાલકે તેમની બાઇકને ટક્કર મારી. વસંતીબેન બાઇક પરથી નીચે પટકાતાં ટ્રકની અડફેટે આવી ગયાં અને માથામાં ગંભીર ઈજા થવાથી તેમનું મોત થયું. આ બનાવ અંગે ગુમાનસિંહની ફરિયાદ પરથી ટ્રક ચાલક સામે BNS અને મોટર વાહન અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. મેઘપર (પડાણા) પોલીસ તપાસ કરી રહી છે.

