સુરત શહેરમાં ગેરકાયદે વિદેશી હથિયાર સાથે ફરી રહેલા એક રીઢા મનના ગુનેગાર વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચે સપાટો બોલાવ્યો છે. એન્ટી ઓર્ગેનાઈઝ્ડ સ્કોડની ટીમે ચોક્કસ બાતમીના આધારે ઉત્રાણ લજામણી ચોક પાસે, જય ભવાની સોસાયટી પાછળ તાપી નદીના કિનારેથી મોટા વરાછા ખાતે પ્રિયાંક એવન્યુમાં રહેતા 19 વર્ષીય આરોપી વિષ્ણુ ઉર્ફે વિશો પરેશભાઈ કાનાણીને ઝડપી પાડ્યો છે.
આરોપીના કબજામાંથી અત્યંત આધુનિક એવી જર્મન બનાવટની “MADE IN GERMANY, Mod. ER 432” લખેલી રિવોલ્વર મળી આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ ગુનાહિત કૃત્ય બદલ ક્રાઇમ બ્રાન્ચે આરોપી સામે આર્મ્સ એક્ટ અને જીપી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરી છે.
મિત્રોમાં વટ પાડવા હથિયાર સાથે ફરતો હતો પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી વિષ્ણુ કાનાણી અભ્યાસની સાથે પાનનો ગલ્લો ચલાવે છે અને તેને હથિયાર સાથે રાખવાનો ભારે ક્રેઝ હતો. તે અવારનવાર મિત્રો સાથે ફરવા જતો ત્યારે પોતાના સાથીદારો પર રોફ જમાવવા અને વટ પાડવા માટે આ વિદેશી રિવોલ્વર બતાવતો હતો અને સતત પોતાની સાથે રાખીને ફરતો હતો.
આરોપીએ કબૂલાત કરી હતી કે આ હથિયાર તેને આશરે ત્રણ મહિના પહેલાં તેના મિત્ર જતીન સુહાગીયાએ આપ્યું હતું. જેથી પોલીસે હવે હથિયાર આપનાર જતીન સુહાગીયાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

