Gujarat

રાજકોટ માધાપર ચોકડી પાસે Z ઇવેન્ટના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગમાં ફાઈબરના સેટ-અપ

રાજકોટમાં જામનગર રોડ પર આવેલી માધાપર ચોકડી પાસે, વોરા સોસાયટીની સામે ભરત ઓઈલ મિલ (સમર્થ પેકેજિંગ ગોડાઉન) ખાતે આવેલા ઝેડ ઇવેન્ટના મંડપ સર્વિસ અને ડેકોરેશનના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે.

આ ગોડાઉનમાં ફાઈબરના સેટ-અપ, ફાઈબરની મંદિર થીમ, ઈજીપ્ત થીમ, ચાઈના થીમ, રોમન થીમ તેમજ અન્ય ફાઈબરનો સામાન અને પ્લાયવુડનો જથ્થો મોટા પ્રમાણમાં મોજૂદ હતો. જ્વલનશીલ સામગ્રી હોવાને કારણે આગે ટૂંક સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાતા આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગની આ ઘટનામાં રૂ. 1 કરોડનું નુકસાન થયું હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે.

ઘટના અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી જાણવા જોગ વિગત મુજબ, અરજદાર જયેશભાઈ સુભાષભાઈ મકાતી (રહે. રાજકોટ) ના મોટા બાપાના દીકરા ભાઈ ધર્મેશભાઈ કિશોરભાઈ મકાતીનું આ ગોડાઉન છે.

ગઇકાલે તારીખ 28/10/2025 ના રોજ સાંજના 7:00 વાગ્યાની આસપાસ અરજદાર મોરબી ખાતે હતા ત્યારે ગોડાઉનમાં મેનેજર તરીકે ફરજ બજાવતા ભીમજીભાઈ મુકેશભાઈ પરમારનો ફોન આવ્યો હતો. તેમણે ગોડાઉનમાં આગ લાગી હોવાની જાણ કરી હતી, જેથી અરજદાર તુરંત ત્યાં દોડી આવ્યા હતા.