ગુજરાતમાં પ્રવર્તમાન દુષ્કાળ જેવી સ્થિતિ અને ઓછા વરસાદને કારણે અબોલ પશુઓ માટે ગંભીર કટોકટી સર્જાઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદભાવના વૃદ્ધાશ્રમ અને ગૌશાળા દ્વારા મોટા પાયે બચાવ અને આશ્રયની કામગીરી શરૂ કરવામાં આવી છે.
અહીંના બળદ આશ્રમમાં 8000 જેટલા બળદનો નિભાવ કરવામાં આવી રહ્યો છે. જોકે તેમના ઘાસચારાનો ખર્ચ ખૂબ જ વધુ થતો હોવાથી તેમનો નિભાવ મુશ્કેલ બન્યો છે. જેથી રાજ્ય સરકાર દ્વારા પશુદીઠ સબસિડી ₹30 થી વધારી ₹100 કરવા માંગ કરવામાં આવી છે.
રાજકોટના સામાજિક અગ્રણી મિતલ ખેતાણીએ જણાવ્યું હતું કે, સદભાવના ગૌશાળામાં હાલમાં રોજબરોજ 500 થી 700 જેટલા અબોલ પશુઓ આવી રહ્યા છે. જેના કારણે સંસ્થાની ક્ષમતા ઓછી પડી રહી છે. 1 લાખ પશુઓ સુધીની ક્ષમતા ધરાવતું પશુ આશ્રમ શરૂ કરવાની દિશામાં પ્રયત્નો શરૂ કરી દેવાયા છે અને હાલમાં 8 હજારથી વધુ પશુઓને આશ્રય આપવામાં આવ્યો છે.
રાજકોટ જિલ્લા સહિત જ્યાં વરસાદ નથી થયો તેવા તમામ વિસ્તારોમાં દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સરકાર પાસે કરવામાં આવી છે. અગાઉ સરકારે પશુદીઠ ₹30 સબસિડી આપી હતી. પરંતુ મોંઘવારીના સમયમાં આ રકમ વધારીને ₹100 કાયમી સબસિડી કરવા રજૂઆત કરાઈ છે. સરકાર અને સમાજે સાથે મળીને તમામ નિયમો અને માપદંડોને બાજુ પર રાખીને અબોલ પશુઓનું જીવન બચાવવા માટે તાકીદે પગલાં લેવા જોઈએ.

