Gujarat

પ્લેટફોર્મ 1-2ને જોડતા ફૂટ ઓવરબ્રિજનુ નિર્માણ

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના એન્જિનિયરિંગ વિભાગે અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત દ્વારકા રેલવે સ્ટેશન પર એક મોટી મહત્વપુર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. સ્ટેશનના આધુનિકીકરણ અને મુસાફરોની સુવિધામાં વધારો કરવા માટે 12 મીટર પહોળા નવા ફૂટ ઓવર બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે. આ યોજના હેઠળ પ્લેટફોર્મ નંબર 1 અને 2 ને જોડતી લિંક પર 11 ગર્ડર લોન્ચિંગનું કામ સફળતાપૂર્વક પૂરું કરવામાં આવ્યું છે.

રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર (Sr. DCM) સુનિલ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, આ જટિલ અને પડકારજનક કામગીરી 300 મેટ્રિક ટન ક્ષમતા ધરાવતી મુખ્ય ક્રેન અને અન્ય વધારાની બેકઅપ ક્રેનની મદદથી પૂર્ણ કરવામાં આવી છે.

એન્જિનિયરિંગ ટીમે આ કામગીરી માટે મંજૂર કરાયેલા માત્ર 4.5 કલાકના નિર્ધારિત ટ્રાફિક બ્લોક સમયગાળામાં તમામ સુરક્ષા માપદંડો જાળવીને લોન્ચિંગ પૂરું કર્યું હતું. કામ પૂરું થતાની સાથે જ રેલ વ્યવહાર પણ પૂર્વવત રીતે સામાન્ય કરી દેવાયો હતો.

આ પહેલાં પણ 26 ઓક્ટોબરના રોજ પ્લેટફોર્મ નંબર 1 અને બહારના સર્ક્યુલેટિંગ એરિયાને જોડતા ભાગમાં ગર્ડર લોન્ચ કરવામાં આવ્યા હતા.દ્વારકા સ્ટેશન મુસાફરો અને શ્રદ્ધાળુઓ માટે મહત્વનું કેન્દ્ર હોવાથી ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ ઉમેર્યું હતું કે, અમૃત ભારત યોજના હેઠળ સ્ટેશનનો વિકાસ અમારી મુખ્ય પ્રાથમિકતા છે.