પ્રકાશના પર્વ દીવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે જામનગર શહેર અને જિલ્લામાં તહેવારોની રોનક જોવા મળી રહી છે. દીવાળી અને નૂતન વર્ષની ઉજવણી માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ ઉત્સવના માહોલ વચ્ચે ફટાકડાના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓ પણ પોતાની તૈયારીઓમાં લાગી ગયા છે. શહેરમાં ફટાકડાના હંગામી સ્ટોલ ઊભા કરવા માટેની સત્તાવાર મંજૂરી મેળવવાની પ્રક્રિયા હાલ કલેક્ટર કચેરી ખાતેથી ચાલી રહી છે. જામનગરમાં આ વર્ષે કુલ 74 જેટલા વેપારીઓએ હંગામી ફટાકડાના વેચાણ માટેની મંજૂરી મેળવવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તંત્ર દ્વારા આપવામાં આવેલી સમયમર્યાદા મુજબ ગત તા. 19 ઓક્ટોબરના રોજ ફટાકડાના હંગામી સ્ટોલ માટેની અરજીઓ સ્વીકારવાની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી હતી. મુદત પૂરી થયા બાદ હવે કલેક્ટર કચેરીના જનસેવા કેન્દ્ર તેમજ સંબંધિત શાખાઓ દ્વારા તમામ અરજીઓની ઝીણવટભરી ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે.

