Gujarat

પીકઅપ ડાલા ચાલકે અડફેટે લેતા એક્ટિવા ચાલકનું મોત

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકા હદ વિસ્તારમાં વાઘોસણા ગામના પાટિયા નજીક પૂરઝડપે દોડતા પીકઅપ ડાલાના ચાલકે એક્ટિવા સવાર યુવકને જોરદાર ટક્કર મારતા તેનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. અકસ્માત બાદ આરોપી ચાલક ઘટનાસ્થળે જ વાહન મૂકીને નાસી ગયો હતો. આ અંગે કલોલ તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

એક્ટિવા ચાલક ગોજારીયા જઈ રહ્યા હતા કલોલ તાલુકાના નાસ્મેદ (ડાભલા) ગામના રહેવાસી હરેશભાઈ દશરથભાઈ વાઘેલાએ કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના 41 વર્ષીય મોટાભાઈ હિમ્મતભાઈ દશરથભાઈ વાઘેલા ગઈકાલે 29 ઓક્ટોબરના રોજ સાંજના પોતાનું એક્ટિવા લઈને ધેધુ ચોકડીથી ગોજારીયા તરફ જઈ રહ્યા હતા.

ડાલાચાલકે અડફેટે લેતા એક્ટિવા ચાલક હિમતભાઈનું મોત તે દરમિયાન વાઘોસણા ગામના પાટિયા નજીક રોડ પર સામેથી ગોજારીયા તરફથી આવી રહેલા પીકઅપ ડાલા (નંબર GJ 01 LT 4034)ના ચાલકે પોતાના વાહનને પૂરઝડપે ગફલતભરી રીતે હંકારી લાવી એક્ટિવાને ટક્કર મારી દીધી હતી.

આ અકસ્માતમાં એક્ટિવા ચાલક હિમતભાઈને માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે માણસા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ મામલે પોલીસે પીકઅપ ડાલાના અજાણ્યા ચાલક વિરુદ્ધ કલોલ તાલુકા પોલીસે ગુનો દાખલ કર્યો છે.