ગુજરાત સરકારે ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે વિકસાવવામાં આવી રહેલા બલ્ક ડ્રગ પાર્કમાં રોકાણ કરનારા ઔદ્યોગિક એકમો માટે વિશેષ પ્રોત્સાહક યોજનાને મંજૂરી આપી છે. આ નિર્ણયથી ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં મૂડીરોકાણને વેગ આપવાની સાથે દવાઓના ઉત્પાદન માટે જરૂરી કાચા માલની આયાત પર ભારતની નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવશે.
આ યોજના હેઠળ પાત્ર ઔદ્યોગિક એકમોને એલિજિબલ ફિક્સ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ (eFCI) પર 10 ટકા કેપિટલ સબસિડી, પાત્ર MSME એકમો માટે વિશેષ વ્યાજ સબસિડી, 10 વર્ષ સુધી યુટિલિટી ચાર્જિસમાં રિઇમ્બર્સમેન્ટ અને જમીનની પ્રથમ ફાળવણી પર સ્ટેમ્પ ડ્યુટી તથા રજિસ્ટ્રેશન ફીની 100 ટકા ભરપાઈ જેવા લાભો મળશે. સરકારના આ નિર્ણયથી જંબુસર બલ્ક ડ્રગ પાર્કમાં ફાર્મા કંપનીઓ માટે રોકાણનું આકર્ષણ વધવાની અપેક્ષા છે.
આયાત પરની નિર્ભરતા ઘટાડવાનો હેતુ ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં દવાઓના ઉત્પાદન માટે જરૂરી એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ (APIs), કી સ્ટાર્ટિંગ મટિરિયલ્સ (KSMs) અને ડ્રગ ઇન્ટરમિડિયેટ્સનું મહત્ત્વ છે.
આ પૈકીના મહત્ત્વપૂર્ણ ઘટકો માટે વિદેશી આયાત પરની નિર્ભરતા ઘટાડવી અને દેશમાં જ ઉત્પાદન ક્ષમતા વધારવી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ અને ‘વિકસિત ભારત @2047’ના સંકલ્પને અનુરૂપ આ પ્રોજેક્ટ દ્વારા ભારતમાં ફાર્માસ્યુટિકલ ઉત્પાદન માટેનું સ્થાનિક માળખું વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

