જામ્યુકોની ફૂડ શાખા દ્વારા નાગરિકોના સ્વાસ્થ્ય સાથે થતાં ચેડાં રોકવા માટે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે શહેરના કાલાવડ નાકા અને ખોજા નાકા સહિતના વિસ્તારોમાં ખાદ્યપદાર્થોની દુકાનો તથા રેસ્ટોરન્ટ્સમાં ફૂડ શાખાની ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું.
સિનિયર ફૂડ ઇન્સપેકટર એન.એચ. જાસોલીયા તથા ટીમ દ્વારા શુક્રવારે અલગ અલગ વિસ્તારોમાં ચેકીંગ કરાયું હતુ. ફૂડ શાખા દ્વારા તપાસ દરમિયાન ‘નિસ્બા કેટરર્સ’ (ખોજા નાકા) ઉપરાંત ‘અજમેરી ચિકન અને ‘નાઇસ સિકક કોર્નર અને ‘હુશેની ચિકન’ જેવા એકમોમાં આરોગ્યપ્રદ ધોરણોનો ભારે અનાદર અને નિયમભંગ જોવા મળ્યો હતો.
ફૂડ શાખા દ્વારા હાથ ધરાયેલી આ કડક તપાસમાં કુલ સાત પેઢીની ચકાસણી કરવામાં આવી હતી, જેમાંથી ક્ષતિઓ જણાતાં હુશેની ચિકન પેઢીને સ્થળ પર જ સીલ કરી દેવામાં આવી હતી, જ્યારે તંત્ર દ્વારા અન્ય ત્રણ પેઢીઓનુ વેચાણ તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવ્યું હતું.

