Gujarat

બુલેટ ટ્રેન માટે હાઈટેક પાવર ગ્રીડ સિસ્ટમ

દેશના ડ્રીમ પ્રોજેક્ટ મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેનને પાટા પર પૂરપાટ દોડાવવા માટે પાવરફુલ વીજ નેટવર્કની તૈયારીઓ હવે આખરી ઓપ લઈ રહી છે. હાઈ-સ્પીડ ટ્રેનને અવિરત અને સુરક્ષિત વીજળી પૂરી પાડવા સમગ્ર 508 કિલોમીટર લાંબા કોરિડોર પર ખાસ 14 અદ્યતન ટ્રેક્શન સબસ્ટેશન (TSS) ઊભા કરવામાં આવી રહ્યા છે. આ હાઈટેક પાવર ગ્રીડ સિસ્ટમ થકી ટ્રેનની સ્પીડ અને મુસાફરોની સુરક્ષામાં ક્ષણભરનો પણ વિક્ષેપ નહીં પડે.

પ્રોજેક્ટની સૌથી મોટી સિદ્ધિ એ છે કે ગુજરાતના બીલીમોરા ખાતે 18,000 ચોરસ મીટરમાં ફેલાયેલું પ્રથમ સબસ્ટેશન લગભગ તૈયાર થઈ ગયું છે, જે ટૂંક સમયમાં ભારતીય રેલવેના ઈતિહાસમાં હાઈ-સ્પીડ પાવર ટ્રાન્સમિશનનું એક નવું સીમાચિહ્ન બનવા જઈ રહ્યું છે.

કુલ 508 કિલોમીટર લાંબા બુલેટ ટ્રેન કોરિડોર માટે વ્યૂહાત્મક સ્થળોની પસંદગી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતમાં 9 સબસ્ટેશન વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, મહેમદાવાદ, અમદાવાદ અને સાબરમતી ડેપો ખાતે ઊભા કરાશે. જ્યારે મહારાષ્ટ્રમાં મુંબઈ, થાણે, વિરાર, બોઈસર અને થાણે ડેપો ખાતે 5 સબસ્ટેશન તૈયાર કરવામાં આવી રહ્યાં છે.