નવ વર્ષના લાંબા ઇંતજાર બાદ મહેસાણા- બહુચરાજી -સાબરમતી વચ્ચે ફરી મુસાફર ટ્રેન દોડતી થતાં બહુચરાજી સહિત આસપાસનાં 40થી વધુ ગામોના લોકોમાં આનંદની લાગણી છવાઈ છે. શુક્રવારે બપોરે 12 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભીલડીથી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ટ્રેનને લીલીઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો.
મહેસાણા અને સાબરમતીથી બંને દિશામાં ટ્રેનોનું નિયમિત સંચાલન 1 નવેમ્બરને રવિવારથી શરૂ થશે. આ ટ્રેનમાં બહુચરાજીથી સાબરમતીનું ભાડું માત્ર રૂ.25 અને મહેસાણાનું ભાડું રૂ.20 હોવાથી મુસાફરોને આર્થિક રાહત મળશે.
ઉલ્લેખનીય છે કે, બહુચરાજીથી અમદાવાદ જવા એસટી એક્સપ્રેસ બસનું ભાડું રૂ.129 અને મહેસાણા જવા લોકલ બસનું ભાડું રૂ.41 છે. તેની સામે ટ્રેનમાં અમદાવાદની મુસાફરી માટે રૂ.25 અને મહેસાણા માટે રૂ.20 જ ખર્ચવા પડશે. આથી વિદ્યાર્થીઓ, નોકરીયાતો, વેપારીઓ અને રોજિંદા અપડાઉન કરતા મુસાફરોને સીધો ફાયદો થશે.
બહુચરાજી રેલવે સ્ટેશન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું કે, આ ટ્રેન સેવા શરૂ થવાથી રણુંજ, ચાણસ્મા, બહુચરાજી, કટોસણ સહિત સમગ્ર વિસ્તારને પરિવહન સેવાની સાથે ઉદ્યોગોના વિકાસમાં પણ મોટો ફાયદો થશે. મહેસાણાથી બહુચરાજીની આ પ્રથમ સીધી ટ્રેન છે.

