Gujarat

ગુજરાતની અંડર-20 ટીમે સુવર્ણચંદ્રક મેળવી શહેર, રાજ્યનું ગૌરવ વધાર્યું

અમરેલી વિદ્યાસભા માટે ગૌરવની ક્ષણ છે. સંસ્થાની ભૂતપૂર્વ DLSS (ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ) ખેલાડી રોશનબા વાળાએ રાષ્ટ્રીય કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ચેન્નાઈના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે યોજાયેલી 41મી નેશનલ જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ-2026માં ગુજરાતની અંડર-20 ટીમે 4×100 મીટર મિક્સ્ડ રિલે સ્પર્ધા 44.39 સેકન્ડમાં પૂર્ણ કરી સુવર્ણચંદ્રક મેળવ્યો હતો.

આ સાથે ટીમે નવો રેકોર્ડ પણ સ્થાપિત કર્યો હતો. આ ઐતિહાસિક સફળતામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરતી રોશનબા વાળાનું યોગદાન મહત્ત્વપૂર્ણ રહ્યું હતું. રોશનબાએ પોતાની રમતગમતની કારકિર્દીની શરૂઆત વિદ્યાસભાની DLSSમાંથી કરી હતી.

અભ્યાસની સાથે રમતગમતમાં સતત મહેનત, શિસ્ત અને સમર્પણ દ્વારા તેમણે પોતાની પ્રતિભાને નિખારી હતી. તેમની ક્ષમતા અને ઉત્કૃષ્ટ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને વધુ તાલીમ માટે એકેડેમીમાં તેમની પસંદગી થઈ હતી. ત્યારથી સતત પ્રગતિ કરતાં આજે તેમણે રાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભાનો પરિચય કરાવ્યો છે. તેમની આ સિદ્ધિ ગુજરાતની રમતગમત પ્રતિભા અને સૌરાષ્ટ્રના ખેલજગત માટે ગૌરવની બાબત બની છે.

વિદ્યાસભા શિક્ષણની સાથે વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓને ઓળખી તેમને યોગ્ય માર્ગદર્શન, તાલીમ અને પ્રોત્સાહન પૂરું પાડવા માટે હંમેશાં પ્રતિબદ્ધ રહ્યું છે. સંસ્થાની DLSS જેવી રમતગમતલક્ષી પહેલ અનેક પ્રતિભાશાળી ખેલાડીઓ માટે પ્રગતિનું માધ્યમ બની છે.