સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે જામનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે એકતા રેલી યોજાઈ હતી. જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સાંસદ પુનમબેન માડમ અને મેયર મોનિકાબેન વ્યાસ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. રેલી પૂર્વે રણજીતનગર પટેલ સમાજ ખાતે આવેલી સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરી ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
મહાનુભાવોએ લીલી ઝંડી બતાવીને એકતા રેલીને ઉત્સાહભેર પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલી રણજીતનગરની સરદાર પટેલ પ્રતિમાથી પ્રારંભ થઈને રૂપિયાના સિક્કા સર્કલ, લીલાશાહ ધર્મશાળા રોડ, ભગવતી હોસ્પિટલ અને શ્યામજીકૃષ્ણ વર્મા પાસેથી પસાર થઈ હતી. રેલીનું અંતિમ સમાપન લાખોટા તળાવના ગેટ નંબર 1 પર કરવામાં આવ્યું હતું, જ્યાં સ્થાનિક નાગરિકો પણ જોડાયા હતા.

સાંસ્કૃતિક કાર્યક્રમ અને શિક્ષકોનું બહુમાન રેલી પૂર્ણ થયા બાદ લાખોટા તળાવ ખાતે એક સુમેળભર્યો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ દેશભક્તિના ગીતો અને સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરીને વાતાવરણ દેશભક્તિમય બનાવ્યું હતું. આ જ મંચ પરથી ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે જામનગરના શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકોનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું.

