દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે માંડલ શહેરના બજારોમાં હજુ સુધી જોઈએ તેવી ચહલપહલ કે ઘરાકી જોવા મળતી નથી. શહેરના મુખ્ય ત્રણ રસ્તા વિસ્તારથી લઈને ચબૂતરા માર્કેટ સુધીની દુકાનોમાં વેપારીઓ ગ્રાહકોની રાહ જોતા નજરે પડે છે.
બપોરના સમયે તો બજારના રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે, જેના કારણે વેપારીઓમાં ચિંતા વ્યાપી છે. બજારમાં મંદી પાછળ વધતી મોંઘવારી અને ખેડૂતોની નબળી સ્થિતિ મુખ્ય કારણ માનવામાં આવે છે. ચોમાસા દરમિયાન અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને પાકમાં મોટું નુકસાન થતાં ખેતી આધારિત પરિવારોની આર્થિક સ્થિતિ પર વિપરીત અસર પડી છે.
બીજી તરફ ફટાકડાના હોલસેલ ભાવ તેમજ ઘી, ખાંડ અને ગોળ મોંઘા થવાથી મીઠાઈ-ફરસાણના ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે, જે છૂટક બજારને અસર કરશે. આ સંજોગોમાં લોકો મર્યાદિત બજેટથી ખરીદી કરે તેવી શક્યતા છે.

