Gujarat

48 હજારનો પ્રતિબંધિત દોરીનો જથ્થો જપ્ત, આરોપી સામે ગુનો નોંધાયો

માંડલમાં ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં રાખીને પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ અને સંગ્રહ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. આ દરમિયાન માંડલના કુંભારવાસ વિસ્તારમાં આવેલી એક ઓરડીમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની 240 ફુલ રીલ ઝડપી પાડવામાં આવી છે.

પોલીસે રૂ.48 હજારની કિંમતનો મુદ્દામાલ કબજે કરી એક શખ્સ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ વિભાગના પોલીસ મહાનિરીક્ષક રાધવેન્દ્ર વત્સ, અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા ઓમ પ્રકાશ જાટ તથા વિરમગામ વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક તપન ડોડિયાએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ અને સંગ્રહ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

સાથે જ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરવામાં આવેલા જાહેરનામાનો ચુસ્ત અમલ કરવા પણ પોલીસને આદેશ આપવામાં આવ્યો હતો. આ સૂચનાના પગલે માંડલ પોલીસ ઇન્સ્પેક્ટર પી.ડી.જાનીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું.