સુપ્રસિદ્ધ શંખેશ્વર તીર્થધામમાં મુખ્યમંત્રીશ્રીની આસ્થાભરી મુલાકાત: રાજ્યની જનતાની સુખાકારી માટે કરી પ્રાર્થના
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે શંખેશ્વર પાર્શ્વનાથ દાદાની વિધિવત પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાટણ જિલ્લામાં સ્થિત વિશ્વવિખ્યાત અને પરમ પવિત્ર શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન મહાતીર્થની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ભગવાન શ્રી પાર્શ્વનાથ દાદાના ચરણોમાં શીશ ઝુકાવી અત્યંત શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ શંખેશ્વર મહાતીર્થમાં ભગવાન શ્રી પાર્શ્વનાથ દાદાની શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા અને અર્ચના કરી હતી. તેમણે આ અવસરે દાદાના ચરણોમાં વંદન કરી સમગ્ર ગુજરાતની જનતાની સુખાકારી, સમૃદ્ધિ અને કલ્યાણ માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી.
આ ધાર્મિક મુલાકાત સમયે મુખ્યમંત્રીશ્રીએ તીર્થની પવિત્રતા અને તેના આધ્યાત્મિક મહત્વ વિશે પણ આદરભાવ વ્યક્ત કર્યો હતો.
મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રીનું તીર્થધામના ટ્રસ્ટીશ્રીઓ, આગેવાનો તેમજ સ્થાનિકો દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
પૂજા-અર્ચના બાદ તેમણે તીર્થ પરિસરની મુલાકાત લઈ ઉપસ્થિત શ્રદ્ધાળુઓ સાથે પણ સૌજન્ય મુલાકાત યોજી હતી.
આ તકે ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી. એલ. પટેલ,પૂર્વ મંત્રીશ્રી દિલીપભાઈ ઠાકોર, અગ્રણી સર્વે શ્રી શ્રીયંકભાઈ શેઠ, દેવલભાઇ શેઠ, રાજેન્દ્રભાઈ શાહ, , શેઠ જીવણદાસ ગોડીદાસ શંખેશ્વર પાર્શ્વનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

