જામનગરમાં રાજકોટ–કાનાલુસ ડબલિંગ પ્રોજેક્ટ હેઠળ જામવંથલી–અલિયાબાડા રેલવે સેક્શનની નવી લાઇન પર 2 નવેમ્બરની સવારથી 130 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રાયલ રન શરૂ થશે. પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ટ્રાયલ દરમિયાન નવી લાઇન પર ટ્રેન દોડાવી તેની ગતિ અને ક્ષમતાનું પરીક્ષણ કરવામાં આવશે.
4 નવેમ્બરે રેલવે સેફ્ટી કમિશનર કરશે નિરીક્ષણ નવી લાઇનનું અંતિમ સુરક્ષા નિરીક્ષણ અને સ્પીડ ટેસ્ટ 4 નવેમ્બરે કરવામાં આવશે. પશ્ચિમ સર્કલ, મુંબઈના રેલવે સેફ્ટી કમિશનર સવારે 8થી રાત્રે 8 વાગ્યા સુધી લાઇનની સુરક્ષા, સ્થિરતા અને ટેકનિકલ માપદંડોની તપાસ કરશે. આ નિરીક્ષણ બાદ લાઇન પર ટ્રેન વ્યવહાર શરૂ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે.
ઇલેક્ટ્રિક એન્જિન અને મોનિટરિંગ સિસ્ટમથી પરીક્ષણ રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, સ્પીડ ટ્રાયલ ઇલેક્ટ્રિક એન્જિન અને ઓસિલેશન મોનિટરિંગ સિસ્ટમની મદદથી કરવામાં આવશે. આ સિસ્ટમ એન્જિનની ગતિ અને દોડતી વખતે થતા કંપન પર નજર રાખશે. તેના આધારે 130 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દોડાવવા માટે લાઇન કેટલી સક્ષમ અને સુરક્ષિત છે તેનું મૂલ્યાંકન કરવામાં આવશે.

