દિવાળી વેકેશન દરમિયાન મુસાફરોની માંગને પહોંચી વળવા જામનગર એસટી વિભાગ 4થી 24 નવેમ્બર સુધી વધારાની બસો દોડાવશે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પાંચ ડેપોમાંથી આ બસો ચલાવાશે.

જામનગર, દ્વારકા, ખંભાળિયા, ધ્રોલ અને જામજોધપુરના ડેપો મેનેજરોને મુસાફરોની માંગ પ્રમાણે વધારાની બસો ચલાવવા સૂચના અપાઈ છે. પ્રવાસન સ્થળો ઉપરાંત રાજકોટ, જૂનાગઢ, દ્વારકા, સોમનાથ, મોરબી, અમદાવાદ, ગોધરા, દાહોદ અને પોરબંદરના રૂટ પર બસો ઉપલબ્ધ કરાવાશે.

એસટી નિગમ 51 મુસાફરોના ગ્રૂપ બુકિંગ પર નિયત સ્થળેથી પિક-અપ કરીને ગંતવ્ય સ્થળે ડ્રોપ કરવાની સેવા આપશે. મુસાફરો માટે મીની બસ, લોકલ, ગુર્જરનગરી, સ્લીપર કોચ, એસી સ્લીપર અને ઇલેક્ટ્રિક બસો પણ ચલાવાશે. ગત વર્ષે દિવાળી વેકેશનમાં જામનગર વિભાગે 328 ટ્રીપ ચલાવી 12,876 મુસાફરોને સેવા આપી હતી. નિગમને આશરે 16થી 18 લાખ રૂપિયાની આવક થઈ હતી. આ વર્ષે પણ એસટી બસ સેવાનો લાભ લેવા તંત્રએ મુસાફરોને અપીલ કરી છે.

