Gujarat

અધ્યાપકોના 8 પડતર પ્રશ્નો મુદ્દે શિક્ષણ સચિવ સમક્ષ ફરી રજૂઆત

ગુજરાત રાજ્યના કોલેજ અધ્યાપકોના લાંબા સમયથી વણઉકેલાયેલા વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળ દ્વારા ફરી એકવાર શિક્ષણ સચિવ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. ગત 23 સપ્ટેમ્બરના રોજ શિક્ષણ મંત્રી તેમજ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકને એક મહિનો કરતાં વધુ સમય વીતી ચૂક્યો હોવા છતાં મુખ્ય પડતર પ્રશ્નોનો કોઈ સત્તાવાર ઉકેલ ન આવતાં અધ્યાપકોમાં ભારે અસંતોષ ફેલાયો છે. જેથી અધ્યાપક મંડળના પ્રતિનિધિઓએ સચિવાલય ખાતે શિક્ષણ સચિવ સાથે સીધી મુલાકાત કરીને 8 જેટલા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી હતી.

300 દિવસની રજાનું રોકડ રૂપાંતર અને કેશલેસ હેલ્થ સુવિધા મુખ્ય માંગણી અધ્યાપક મંડળ દ્વારા ઉઠાવવામાં આવેલા મુખ્ય 8 પ્રશ્નોમાં સરકારી કર્મચારીઓની જેમ અધ્યાપકોને પણ કેશલેસ હેલ્થ બેનિફિટ પેકેજનો લાભ આપવા તેમજ નિવૃત્તિ સમયે મળવાપાત્ર 300 દિવસની જમા રજાઓનું રોકડમાં રૂપાંતર કરવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આચાર્ય તરીકે બઢતી કે સીધી નિમણૂક પામતા અધ્યાપકોની અગાઉની સર્વિસ કન્ટિન્યુઇટી જાળવી રાખવા અંગે પણ ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી હતી.

વેકેશન દરમિયાન વસ્તી ગણતરીની કામગીરી સામે વળતર રજા આપવા માગ વેકેશનના સમયગાળા દરમિયાન અધ્યાપકોને સોંપવામાં આવતી બિનશૈક્ષણિક કામગીરી અંગે પણ મહામંડળે અવાજ ઉઠાવ્યો છે. મંડળે જણાવ્યું હતું કે દિવાળી કે ઉનાળુ વેકેશનમાં અધ્યાપકોને સામાજિક જવાબદારીઓ નિભાવવાની હોય છે અને પરિવાર સાથે સમય પસાર કરવાનો અધિકાર હોય છે. આવા સમયે જો અધ્યાપકોને વસ્તી ગણતરી જેવી વહીવટી કામગીરીમાં જોડવામાં આવે તો તેના બદલામાં તેમને સત્તાવાર રીતે વળતર રજાઓ મળવી જોઈએ.