Gujarat

બૂટ-ચંપલમાં સંતાડેલી ચાવી શોધી તાળું ખોલતો, સલાબતપુરાનો હિસ્ટ્રીશીટર આફતાબ ખાન ઉર્ફે ‘બચકાંડો’ ઝડપાયો

સુરતના રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી નોંધાયેલી ઘરફોડ ચોરીની ઘટનાઓને પગલે પોલીસ સક્રિય બની હતી. રાંદેર પોલીસની અલગ-અલગ ટીમોએ માનવીય બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદ લીધી હતી. આ તપાસ દરમિયાન અંદાજે 200 જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસી પોલીસે સલાબતપુરા વિસ્તારમાં રહેતા 29 વર્ષીય આરોપી આફતાબ ખાન ઉર્ફે બચકાંડોને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે.

પૂછપરછમાં 8 અનડિટેક્ટ ગુનાની કબૂલાત કરી પોલીસ ધરપકડ બાદ આરોપી આફતાબની કડક પૂછપરછ હાથ ધરવામાં આવી હતી, જેમાં તેણે સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાં આચરેલા કુલ 8 ગુના કબૂલ્યા છે. આ પૈકી 4 ગુના રાંદેર, 1 અમરોલી અને 1 અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારના ડિટેક્ટ થયા છે. આ ઉપરાંત અંકલેશ્વર GIDC અને વાપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલી ઘરફોડ ચોરીનો ભેદ પણ ઉકેલાયો છે. આરોપી પાસેથી ચોરી કરાયેલા સોનાના ઘરેણાં તેમજ ગુનામાં વપરાયેલું એક્ટિવા મોપેડ જપ્ત કરાયું છે.

બૂટ-ચંપલમાં છુપાવેલી ચાવી શોધી તાળું ખોલતો હતો પોલીસ તપાસમાં આ શાતિર ચોરની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. આરોપી સંપૂર્ણપણે બેકાર હતો અને કોઈ કામધંધો કરતો નહોતો. રાત્રિના સમયે તે રેકી કરીને બંધ ઘરોને નિશાન બનાવતો હતો. ખાસ કરીને લોકો ઘરના દરવાજા પાસે રાખેલા શૂઝ, ચંપલ કે અન્ય ખૂણામાં ઘરની ચાવી સંતાડતા હોય છે, આ આરોપી તે ચાવી શોધી કાઢીને દરવાજો ખોલી ઘરમાં પ્રવેશી સોના-ચાંદીના દાગીના ચોરીને પલાયન થઈ જતો હતો.