દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા સક્રિય બની છે. તહેવારો દરમિયાન મીઠાઈ, ફરસાણ અને ડ્રાયફ્રૂટ્સની ખરીદીમાં વધારો થતો હોવાથી નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્યસામગ્રી મળી રહે તે હેતુથી મહાનગરપાલિકા દ્વારા વિશેષ તપાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ખાદ્યપદાર્થોમાં ભેળસેળ ન થાય અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય તે માટે તંત્ર દ્વારા વેપારીઓ પર નજર રાખવામાં આવી રહી છે.

ડ્રાયફ્રૂટ્સના વેપારીઓને ત્યાં આકસ્મિક ચેકિંગ મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડિયાની સૂચના હેઠળ ફૂડ શાખાની ટીમે બુધવારે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ડ્રાયફ્રૂટ્સના વેપારીઓને ત્યાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી. આ કામગીરી દરમિયાન કાજુ, બદામ, અંજીર સહિતની વિવિધ ડ્રાયફ્રૂટ્સની આઇટમોની ગુણવત્તાની ચકાસણી માટે નમૂના લેવામાં આવ્યા હતા.

