Gujarat

પશુપાલકોને રૂ.229માં રૂ.40 હજારનું વીમા કવચ

ગુજરાત સરકારની કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પશુપાલકો, માછીમારો અને આદિવાસી સમાજ સહિત રાજ્યના નાગરિકોને લગતી મહત્ત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. નેશનલ લાઈવસ્ટોક મિશન હેઠળ રાજ્યના એક લાખ પશુઓને વીમા કવચ આપવાનો પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ પશુપાલકને માત્ર રૂ.229 ભરીને રૂ.40 હજાર સુધીનું એક વર્ષનું વીમા કવચ મળશે. વીમાના પ્રીમિયમની બાકીની 85 ટકા રકમ સરકાર સહાય તરીકે ચૂકવશે.

પશુપાલકોને રૂ.40 હજારનું વીમા કવચ રાજ્યના પશુપાલકોને આર્થિક સુરક્ષા આપવાના હેતુથી પશુ વીમા કવચ યોજના અંતર્ગત એક લાખ પશુઓનો વીમો ઉતારવાનો પ્રોજેક્ટ મંજૂર કરાયો છે. આ યોજના હેઠળ પશુપાલકે માત્ર રૂ.229 ચૂકવવાના રહેશે, જ્યારે અંદાજે રૂ.1,300ની બાકીની રકમ સરકાર ભોગવશે. અત્યાર સુધીમાં આઈ-ખેડૂત પોર્ટલ પર 87,147 અરજીઓ મળી છે. સરકાર દ્વારા વધુમાં વધુ પશુપાલકોને આ યોજનાનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

શિયાળબેટમાં ફિશ લેન્ડિંગ સેન્ટર બનશે અમરેલી જિલ્લાના શિયાળબેટ ટાપુ પર મત્સ્ય ઉતરાણ કેન્દ્ર વિકસાવવા રાજ્ય સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. ટાપુ પર વસતા 1,100થી વધુ સક્રિય માછીમારોની લાંબા સમયથી ચાલી આવતી માંગને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. અહીં પાઇલ જેટી, રીક્લેમેશન, સ્ટોન બન્ડ અને પેવર બ્લોક સહિતની આધુનિક માળખાકીય સુવિધાઓ ઊભી કરાશે. આ સેન્ટરથી માછીમારોને માછલી ઉતારવા અને અન્ય સંબંધિત કામગીરીમાં સુવિધા મળશે.