ગાંધીનગરના સરગાસણ ગામના ઠાકોરવાસમાં બંધ મકાનમાં ચોરી થઈ હતી. ઘરના માળિયામાં પ્લાસ્ટિકની ડોલમાં સંતાડી રાખેલા રૂપિયા 7.77 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની કોઈ સંબંધીએ જ ચોરી કરી લીધી હોવાની ફરિયાદ ઇન્ફોસિટી પોલીસ મથકે નોંધાઈ છે. જેથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જમીનના વેચાણ સંદર્ભે સંબંધી ઘરે હાજર હતો ગાંધીનગરના સરગાસણ ગામ ઠાકોર વાસમાં રહેતા વિધ્યાબેન વિક્રમજી ઠાકોર અને તેમનો પુત્ર હિંમત ગત તા.18 ઓક્ટોબરના રોજ તેમના પરિવારના સભ્ય માંદા હોવાથી આશ્કા હોસ્પિટલમાં ટીફીન આપવા ગયા હતા. ઘરને લોક મારીને હંમેશની જેમ તેમણે ઘરની ચાવી બાથરૂમ પાસેની એક જગ્યાએ મૂકી હતી. તે વખતે જમીનના વેચાણ સંદર્ભે અવારનવાર ઘરમાં આવતા-જતા રહેતા દૂરના સગા ચિરાગજી ચંદ્રેશજી ઠાકોર પણ ત્યાં હાજર હતો . જેણે કહેલું કે તમે દવાખાને જઈ આવો હું બહાર ગલ્લે બેસું છું.
ઘરમાં સોનાની વીંટી નીચે પડેલી જોતા શંકા ગઈ બાદમાં ચિરાગજીએ હિંમતને ફોન કરીને પૂછપરછ કરી હતી કે તમારા ઘરે પાણીનો જગ આપવા વાળા ભાઈ આવ્યો છે, તો ઘરની ચાવી ક્યાં છે. જેથી હિંમતે બાથરૂમ પાસે ચાવી મૂકી હોવાની જગ્યા બતાવી ફોન કાપી નાખ્યો હતો. ત્યારબાદ બપોરે અઢી વાગ્યાના અરસામાં વિધ્યાબેન અને તેમનો પુત્ર ઘરે પરત ફર્યા હતા. ત્યારે બીજા રૂમમાં તેમની એક સોનાની વીંટી નીચે પડેલી નજરે પડી હતી. આ વીંટી તેમણે અગાઉ દાગીના સાથે ડોલમાં મૂકી હોવાથી તે નીચે કેમ પડી તે અંગે તેમના મનમાં શંકા ગઈ હતી.
તપાસ કરતા લાખોના માલમત્તાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું એટલે તેમણે ઘરના માળિયા ઉપર પ્લાસ્ટિકની ડોલમાં તપાસ કરતા ડોલ માંથી આશરે એક કિલો વજનના ચાંદીના કડલા બે જોડ , કાનમાં પહેરવાની શેર, હાથમાં પહેરવાનું સોનાનું કડું દોઢ તોલા વજનનું , હાથના બાવળામાં પહેરવાનું સોનાનું લોકેટ અઢી તોલા વજનનું તેમજ 1000 રોકડ મળી કુલ રૂ. 7,77,000 ની માલમત્તા ચોરાઈ ગઈ હોવાનું સામે આવ્યું હતું.

