Gujarat

ખેડૂત સાથે બેંક કર્મીએ 21 લાખની છેતરપિંડી આચરી

રાજકોટના ખેડૂત સાથે રૂ.21 લાખની છેતરપિંડી બેંકના કર્મચારી દ્વારા આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. ખેડૂતે લીધેલી લોન ભરપાઈ કરવા માટે બેંક કર્મીએ મોબાઈલ મેળવી બાદમાં લોન એકાઉન્ટના બદલે પોતાની પત્નીના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. જો કે ખેડૂતે લોનની પૂછપરછ માટે બેંકમાં રૂબરૂ જઇ સંપર્ક કરતા પોતાની લોન ભરપાઈ ન થયાનું સામે આવતા ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ખેડૂતે એપ્રિલ, 2025માં રૂ.23.60 લાખની લોન કરાવી હતી ફરિયાદી અજયસિંહ મહેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે, મારે મકાનના રિનોવેશનના કામે માટે પૈસાની જરૂરીયાત હોવાથી ખેતીની જમીન ઉપર એગ્રીકલ્ચર લોન કરાવવાની હોવાથી મેટોડા એક્સિસ બેંકમા લોન બાબતે તપાસ કરી હતી. ત્યાં લોન વિભાગમાં નોકરી કરતા ભાવિન રમેશભાઇ વરસાણી તથા તેની સાથે નોકરી કરતા તુષાર મારા કોન્ટેકમાં આવ્યાં હતા. ત્યારબાદ તેઓ મારા ઘરે આવીને મારી પાસેથી તમામ જરૂરી ડોક્યુમેન્ટ લઈ ગયા હતા અને મેટોડા એક્સિસ બેંકની બ્રાન્ચમાથી એપ્રિલ, 2025માં રૂ.23.60 લાખની લોન કરાવી આપી ભાવીને મારી સાથે સારા સંબંધ કેળવેલા હતા.

ખેડૂતે લોન પુરી કરવા બેંક કર્મીને જાણ કરી હતી 6 મહિના બાદ પૈસાની સગવડ થઈ જતા મેં ભાવિનને વાત કરી કે મારે ધીમે-ધીમે લોન પુરી કરી દેવી છે અને ગ્રામીણ બેંક મવડી શાખામા મારા ખાતામા પૈસા પડેલા છે. જેથી ભાવીને જણાવ્યું કે, ગ્રામીણ બેંકના ખાતામાંથી એક્સિસ બેંકના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દો. પ્રથમ 25.09.2025ના રોજ આર.ટી.જી.એસ.થી 10 લાખ એક્સિસ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા હતા. ત્યારબાદ ભાવીન મારા ઘરે બપોરના 12 વાગ્યા આસપાસ આવી અને મારો ફોન લોન ખાતામાં પૈસા નાખવા માટે લીધો હતો. થોડા સમય પછી ફોન મને પરત આપીને કહ્યું કે, તમારા લોન એકાઉન્ટમાં પૈસા જમા થઇ ગયા છે.