રાજકોટમાં સભ્ય સમાજનું માથું શરમથી ઝુકાવી દે તે પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. યુવતી પર તેના સગા માસાએ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. મૂળ ધોરાજીમાં રહેતી યુવતી નાની હતી, ત્યારે માસાએ અડપલા કર્યા હતા. ત્યારબાદ ડરાવી ધમકાવી 11 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યા અંગે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ઝીરો નંબરથી ફરિયાદ નોંધાઈ છે.
યુવતી 8 વર્ષની હતી ત્યારે પણ અડપલાં કર્યા હતા રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં યુવતીએ 4 નવેમ્બરના બપોરે 2.30 વાગ્યે ઝીરો નંબરથી નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે જ્યારે 8 વર્ષની હતી, ત્યારે માસાએ અડપલા કર્યા હતા. ત્યારબાદ માસા દ્વારા ડરાવી-ધમકાવી માર મારી અને મારી નાખવાની ધમકી આપી મરજી વિરુદ્ધ અવારનવાર શરીર સંબંધ બાંધ્યા હતા.
નવરાત્રિમાં અડપલા કર્યા, ધમકી આપી દુષ્કર્મ આચર્યું રાજકોટ તાલુકા પોલીસ મથકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આજથી 11 વર્ષ પહેલા આ યુવતી જ્યારે ધોરાજીમાં હતી, ત્યારે તેના માસાએ નવરાત્રિમાં ગરબી દરમિયાન અડપલા કર્યા હતા. ત્યારપછી તે સગીરાને સતત ડરાવતો ધમકાવતો હતો. જે બાદ તેની મરજી વિરુદ્ધ અવારનવાર બળજબરીથી દુષ્કર્મ ગુજારતો હતો. જોકે અંતે કંટાળીને યુવતીએ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ઝીરો નંબરથી ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ ધોરાજી ટ્રાન્સફર થઈ શકે રાજકોટ તાલુકા પોલીસ દ્વારા રાજકોટ રહેતા માસા સામે IPC કલમ 376 (2)(એન), 506(2), 504, 323, 354 (એ) અને પોક્સો એક્ટ કલમ 4, 6, 12 મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે. જોકે આ ફરિયાદ ધોરાજી પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. કારણ કે, ગુનાની શરૂઆત ધોરાજીથી થઈ છે.

