Gujarat

વડોદરા નેશનલ હાઈવે પર અજાણ્યા વાહનની ટક્કરથી એકનું મોત

દિવાળીના પર્વ ટાણે જ વડોદરાના નેશનલ હાઇવે નંબર-48 પર જાંબુઆ બ્રિજ પર મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. સુરતથી બાઇક પર પોતાના વતન મધ્યપ્રદેશ તરફ જઈ રહેલા બે યુવકોને અજાણ્યા વાહને ટક્કર મારી હતી. જેથી રોડ પર ફંગોળાયેલા બન્ને યુવકોમાંથી એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ અકસ્માતને લઈ ઉત્સવના માહોલ વચ્ચે પરિવારમાં શોક છવાઈ ગયો છે.

આ ઘટનામાં મૃતકનું નામ સંજય મહિડા અને ઇજાગ્રસ્તનું નામ રાજપાલ ચરપોટા છે. બંને યુવકો મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના લૂખીપાડા ગામના રહેવાસી છે તેમજ બન્ને સંબંધી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

ઘરે તહેવાર મનાવવા જતા હતા સંજય મહિડા અને રાજપાલ ચરપોટા લાંબા સમયથી સુરત ખાતે રહીને કામ કરતા હતા. દિવાળીની રજાઓ શરૂ થતા તેઓ પોતાના ઘરે તહેવાર મનાવવા માટે બાઇક દ્વારા રતલામ જવા માટે રવાના થયા હતા. વડોદરાના જાંબુવા બ્રિજ પાસે પહોંચતા જ અચાનક આ ગોઝારી ઘટના બની હતી. અકસ્માતમાં મૃત્યુ પામનાર સંજય મહિડા બે સંતાનોના પિતા હતા. તેઓના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા રાજપાલ ચરપોટાને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.