ઉમરાળા પોલીસ સ્ટેશનના અધિકારી હિતેન્દ્રસિંહ બારડ અને પોલીસ સ્ટાફે ધોળા રેલવે ફાટકે ટ્રાફિકમાં રોકાયેલા લોકોને જાગૃતિ પેમ્ફલેટ વહેંચ્યા. પેમ્ફલેટમાં ‘ડ્રગ્સ મુક્ત ભારત’ અને ‘સાયબર ફ્રોડથી સાવધાન’ અંગે માહિતી આપવામાં આવી છે.ધોળા રેલવે ફાટક વારંવાર બંધ રહે છે. ખાસ કરીને તહેવારોમાં વાહનોની લાંબી કતારો લાગે છે અને મુસાફરોને રાહ જોવી પડે છે. આ સમયનો ઉપયોગ કરીને ઉમરાળા પોલીસે જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે.

પોલીસ સ્ટાફ વાહનચાલકો, મુસાફરો અને નાગરિકોને નશાથી દૂર રહેવા, યુવાનોને નશામુક્ત સમાજના નિર્માણમાં જોડાવા અને ઓનલાઇન છેતરપિંડીથી બચવા સાવચેતી રાખવા માર્ગદર્શન આપે છે.

ઉમરાળા પોલીસના જણાવ્યા મુજબ, ટ્રાફિકમાં રાહ જોતા લોકોને જાગૃતિની માહિતી આપીને સામાજિક જવાબદારી નિભાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

