દિવાળી પહેલાં ગુજરાત સરકારના સચિવાલયમાં ફરજ બજાવતા 64 નાયબ સેક્શન અધિકારીઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે. સામાન્ય વહીવટ વિભાગે 6 નવેમ્બરના રોજ આદેશ કરીને સચિવાલય સંવર્ગના 64 નાયબ સેક્શન અધિકારીઓને સેક્શન ઓફિસર વર્ગ-2 તરીકે બઢતી આપવાનો નિર્ણય કર્યો છે. સરકારના આ નિર્ણયથી દિવાળી પહેલાં જ અધિકારીઓને પ્રમોશનની ભેટ મળી છે.
સરકારના આદેશ મુજબ, નાયબ સેક્શન અધિકારી વર્ગ-3 (પગાર ધોરણ ₹ 39,900થી 1,26,100, પે મેટ્રિક્સ લેવલ-7)ને સેક્શન ઓફિસર વર્ગ-2 (પગાર ધોરણ ₹ 44,900થી 1,42,400, પે મેટ્રિક્સ લેવલ-8)ના પગાર ધોરણમાં ઈન-સીટુ બઢતી આપવામાં આવી છે. એટલે કે, અધિકારીઓને ઉચ્ચ હોદ્દા સાથે ઉચ્ચ પગાર ધોરણનો લાભ મળશે.
હાલ જે વિભાગમાં ત્યાં જ ફરજ પર બઢતી આ બઢતીની ખાસ વાત એ છે કે, અધિકારીઓને હાલ જે વિભાગ કે કચેરીમાં નાયબ સેક્શન અધિકારી તરીકે ફરજ સોંપવામાં આવી છે, ત્યાં જ સેક્શન ઓફિસર તરીકે કામગીરી બજાવવાની મંજૂરી આપવામાં આવી છે. આ માટે તેમની હાલની જગ્યાને હંગામી ધોરણે સેક્શન ઓફિસર સંવર્ગમાં અપગ્રેડ ગણવામાં આવશે. જ્યારે સંબંધિત અધિકારીને સેક્શન ઓફિસરની નિયમિત જગ્યા પર નિયુક્ત કરવામાં આવશે અને તેઓ ત્યાં હાજર થશે ત્યારે હાલની જગ્યાને ફરી નાયબ સેક્શન અધિકારી સંવર્ગમાં ડાઉનગ્રેડ ગણવામાં આવશે.

