Gujarat

કુંભારવાડાની પ્લાસ્ટિકની ફેક્ટરીમાં વિકરાળ આગ

ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં આવેલી એક પ્લાસ્ટિક ફેક્ટરીમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠવાની ઘટના સામે આવી છે. આગના કારણે ફેક્ટરીમાં રાખેલો મોટો પ્લાસ્ટિકનો જથ્થો તથા રો-મટીરિયલ બળીને ખાખ થઈ ગયાં હતાં. ફેક્ટરી માલિકના અંદાજ મુજબ આ દુર્ઘટનામાં રૂ.2.5 લાખથી વધુનું આર્થિક નુકસાન થયું છે, જ્યારે ફાયર બ્રિગેડની ટીમે સમયસર કામગીરી કરી આગ પર કાબૂ મેળવતાં મોટી જાનહાનિ ટળી છે.

ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાયા ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં સ્મશાન પાછળ શૈલેષભાઈ જોગીની માલિકીની પ્લાસ્ટિક પ્રોડક્શન ફેક્ટરી આવેલી છે. ગત રોજ ફેક્ટરીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે અચાનક આગ લાગી હતી. પ્લાસ્ટિકનો જથ્થો હોવાના કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ધુમાડાના કાળા ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાતાં આસપાસના વિસ્તારમાં લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા.