Gujarat

વિસનગરના લાછડીમાં લાલજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં સામાજિક સંમેલન

વિસનગર તાલુકાના લાછડીમાં નિલકંઠ મહાદેવના હોમાત્મક મહા લઘુરુદ્ર યજ્ઞ નિમિત્તે SPG ગ્રુપનું સંમેલન યોજાયું. તેમાં લગ્ન નોંધણીના કાયદામાં સુધારા અને ₹1,200ની સામાજિક સુરક્ષા યોજના અંગે ચર્ચા થઈ. ગ્રામજનોએ યોજનામાં જોડાવાનો સંકલ્પ લીધો.

ગામની બહેનો, દીકરીઓ અને ફઈઓના સ્નેહમિલન સાથે યોજાયેલા સંમેલનમાં SPG ગ્રુપના અધ્યક્ષ લાલજીભાઈ પટેલ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં ગામના યુવાનોએ ઢોલ-નગારા અને પુષ્પવર્ષા સાથે તેમનું સ્વાગત કર્યું. તેમને ફૂલહાર પહેરાવી સન્માનિત કરાયા. ત્યારબાદ મહાનુભાવોએ દીપ પ્રગટાવી સંમેલનની શરૂઆત કરી.

સંમેલનમાં સામાજિક સુરક્ષા, દીકરીઓના હિત અને લગ્ન નોંધણીના કાયદામાં સુધારા અંગે ચર્ચા થઈ. લાલજીભાઈ પટેલે ₹1,200ની સહાય યોજનાની માહિતી આપી. પરિવાર પર આકસ્મિક આફત આવે ત્યારે આર્થિક મદદ મળી રહે તે હેતુથી આ યોજના શરૂ કરાઈ હોવાનું તેમણે જણાવ્યું.

લાછડીના આગેવાનો અને ગ્રામજનોએ ગામના દરેક સભ્યને યોજનામાં જોડવા અને સહકાર આપવાની ખાતરી આપી. મીડિયા સાથે વાત કરતાં લાલજીભાઈ પટેલે કહ્યું કે, “સમાજની દીકરી સમાજમાં રહે અને સમાજનું દાન સમાજમાં રહે” એ હેતુથી સંમેલન યોજાયું છે. તેમણે કહ્યું કે મોટી સંખ્યામાં લોકોએ સંકલ્પ લીધો છે.