Gujarat

ગોધરાના LC-4 અંડરબ્રિજમાં 15 દિવસમાં જ પાણી ભરાતાં ફરી બંધ

ગોધરા શહેરના શહેરા ભાગોળ વિસ્તારમાં આવેલા LC-4 અંડરબ્રિજની કામગીરી છેલ્લા ચાર વર્ષથી ચાલી રહી છે. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને 30 ઓક્ટોબરના રોજ આ અંડરબ્રિજ ટુ-વ્હીલર વાહનચાલકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જોકે, અંડરબ્રિજ શરૂ થયાના માત્ર 15 દિવસમાં જ તેમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતાં તંત્ર દ્વારા ફરી બંધ કરી દેવામાં આવ્યો છે. લાંબા સમયની રાહ જોયા બાદ શરૂ થયેલો અંડરબ્રિજ ફરી બંધ થતાં વાહનચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

અંડરબ્રિજ બંધ થતાં વેપારીઓના ધંધા પર અસર અંડરબ્રિજ બંધ થવાને કારણે આસપાસના વેપારીઓના ધંધા-રોજગાર પર માઠી અસર પડી રહી છે. વાહનચાલકો અને ગ્રાહકોની અવરજવર અટકી જતાં વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક વેપારી હેમંતભાઈ ચેલારામાણીએ તંત્ર સમક્ષ વહેલી તકે બાકી રહેલી કામગીરી પૂર્ણ કરી અંડરબ્રિજ ફરી શરૂ કરવાની માંગ કરી છે.

15 દિવસમાં શરૂ નહીં થાય તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન આ મામલે સામાજિક કાર્યકર સંજયભાઈ ટેલાણીએ પણ તંત્રને આવેદનપત્ર પાઠવી અંડરબ્રિજ 15 દિવસમાં ફરી શરૂ કરવાની માંગ કરી છે. તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો નિયત સમયમર્યાદામાં અંડરબ્રિજ વાહનવ્યવહાર માટે ખુલ્લો કરવામાં નહીં આવે તો સ્થાનિકો સાથે મળીને ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.