ઘોઘંબા તાલુકાના 20થી વધુ ગામોમાં ત્રણ માસથી એગ્રીકલ્ચર વીજપુરવઠો અનિયમિત રહેતા ખેડૂતોએ વેજલપુર MGVCL કચેરીએ સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર આપ્યું હતું. કરાડ ડેમમાં પાણી ન હોવાથી ખેડૂતો કૂવા-બોર પર નિર્ભર છે. ખેડૂતોએ બે દિવસમાં વીજળી નહીં મળે તો કચેરી બહાર ભૂખ હડતાલ કરાશે.
ઘોઘંબા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ત્રણ મહિનાથી અનિયમિત અને અપૂરતો વીજ પુરવઠો મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે. જેના વિરોધમાં સોમવારે ભીલોડ, દાતોલ અને ચાંદાપુરી સહિત 20થી વધુ ગામના ખેડૂતોએ એકત્ર થઈ વેજલપુર સ્થિત મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની કચેરી ખાતે ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે હલ્લાબોલ મચાવ્યો હતો.
નિયમ મુજબ મળતો એગ્રીકલ્ચર વિજપુરવઠો છેલ્લા 3 માસથી ના મળતા ખેડૂતો રોષે ભરાઈને વેજલપુર ખાતે વિજકચેરીમાં હલ્લાબોલ કર્યો હતો.ખેડૂતોના જણાવ્યા અનુસાર, છેલ્લા ત્રણ મહિનાથી ખેતીવાડી માટે પૂરતા પ્રમાણમાં વીજળી મળતી નથી, જેના કારણે ઊભા પાકને સમયસર પાણી મળી શકતું નથી અને ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા આખરે ખેડૂતોનો રોષ ફાટી નીકળ્યો હતો.વેજલપુર MGVCL કચેરી ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડેલા ખેડૂતોએ અધિકારીઓને ઘેરાવ કરી લેખિતમાં આવેદનપત્ર પાઠવ્યું હતું.

