Gujarat

જામનગર મહાનગરપાલિકાની બંને લિફ્ટ બંધ રહેતા અરજદારો પરેશાન

જામનગર મહાનગરપાલિકાની મુખ્ય કચેરીની બંને લિફ્ટ બંધ હોવાથી અરજદારો અને કર્મચારીઓને મુશ્કેલી પડી રહી છે. દિવાળી વેકેશન પછી કચેરીમાં અરજદારોની અવરજવર વધી છે, ત્યારે બંને લિફ્ટ બંધ હાલતમાં હોવાથી વૃદ્ધ અને દિવ્યાંગ અરજદારોને 4 માળ સુધી પગથિયાં ચડીને જવું પડે છે. અરજદારોએ લિફ્ટ તાત્કાલિક ચાલુ કરવા અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માગણી કરી છે.

ચાર માળની કચેરીમાં અલગ-અલગ વિભાગો કાર્યરત છે મહાનગરપાલિકાની આ 4 માળની કચેરીમાં પહેલા માળે મેયર, સ્ટેન્ડિંગ કમિટી અને પદાધિકારીઓની ઓફિસો આવેલી છે, જ્યારે બીજા માળે મ્યુનિસિપલ કમિશનર અને સિટી એન્જિનિયરની કચેરીઓ છે. ત્રીજા માળે સિવિલ અને સોલિડ વેસ્ટ શાખા તેમજ ચોથા માળે આરોગ્ય, ભૂગર્ભ ગટર, સ્લમ અને એસ્ટેટ વિભાગની કચેરીઓ કાર્યરત છે.

ચોથા માળે કામ માટે આવેલા વૃદ્ધ અરજદાર પરેશાન 72 વર્ષીય અરજદાર કુમાર બોધે જણાવ્યું હતું કે તેમને ચોથા માળે કામ માટે જવાનું હતું, પરંતુ પગની તકલીફને કારણે પગથિયાં ચડવું તેમના માટે શક્ય નથી. તેમણે તંત્રને લિફ્ટ તાત્કાલિક ચાલુ કરવા અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરવા રજૂઆત કરી હતી.