જામનગરનું હાપા માર્કેટિંગ યાર્ડ દિવાળી વેકેશન બાદ ફરી એકવાર ખેતપેદાશોની ધૂમ આવકથી ધમધમતું થયું છે. સપ્તાહના પ્રારંભે જ એક જ દિવસમાં 350 જેટલા વાહનો મારફતે 25 હજારથી વધુ મગફળીની ગુણીઓ ઠલવાતા સમગ્ર યાર્ડ પરિસર છલોછલ ઉભરાઈ ગયું હતું.
જેમાં જગ્યાના અભાવે અને માલના ભરાવાના કારણે યાર્ડ સત્તાધીશોને બુધવાર સહિત બે દિવસ માટે મગફળીની નવી આવક બંધ કરવાની ફરજ પડી હતી. બીજી તરફ, હરાજીમાં નવ નંબરની મગફળીના અત્યાર સુધીના સૌથી વધુ રૂા. 2,795 પ્રતિ મણ ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. હાપા યાર્ડમાં ચાલુ વર્ષે બહારના રાજ્યોના ખરીદારોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને તમિલનાડુથી નાના-મોટા 30 જેટલા વેપારીઓ મગફળીની ખરીદી માટે જામનગરમાં ધામા નાખીને બેઠા છે.
સાઉથના વેપારીઓની સારી લેવાલીના કારણે છેલ્લા પખવાડિયાથી બજારમાં ખાસ કરીને 9 નંબર અને ૬૬ નંબરની મગફળીની ભારે બોલબાલા રહી છે. બુધવારની હરાજીમાં પણ આ તેજી યથાવત રહી હતી અને 9 નંબરની મગફળીના રૂા.1700થી લઈને સર્વોચ્ચ રૂા.2,795 સુધીના ઐતિહાસિક ભાવ બોલાયા હતા. મગફળી ઉપરાંત યાર્ડમાં કપાસ, ડુંગળી, સોયાબીન અને જીરું સહિતની અન્ય જણસોની પણ ઘીંગી આવક નોંધાઈ રહી છે.

