Gujarat

અમદાવાદમાં એન્ટિબાયોટિકના યોગ્ય ઉપયોગ માટે જાગૃતિ કાર્યક્રમ શરૂ

વિશ્વ એન્ટિમાઈક્રોબિયલ અવેરનેસ વીક અંતર્ગત અમદાવાદ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગે 18થી 24 નવેમ્બર સુધી જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. જિલ્લા પંચાયતની આરોગ્ય શાખામાં કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ શરૂ થયો હતો.

કાર્યક્રમનો હેતુ એન્ટિમાઈક્રોબિયલ રેઝિસ્ટન્સ (AMR) વિશે જાગૃતિ ફેલાવવાનો અને એન્ટિબાયોટિક દવાઓનો યોગ્ય ઉપયોગ સમજાવવાનો હતો. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી અને માઇક્રોબાયોલોજિસ્ટની ટીમે ઉપસ્થિતોને માર્ગદર્શન આપ્યું હતું. પ્રેઝન્ટેશન દ્વારા દવાઓના યોગ્ય ઉપયોગ વિશે પણ સમજાવવામાં આવ્યું હતું.

આરોગ્ય નિષ્ણાતોએ જણાવ્યું કે એન્ટિબાયોટિક દવાઓનો બિનજરૂરી કે અયોગ્ય ઉપયોગ કરવાથી સમય જતાં તેની અસર ઘટી શકે છે. તેમણે ડોક્ટરની સલાહ વિના દવા ન લેવા અને સૂચવેલી દવા યોગ્ય રીતે લેવા જણાવ્યું હતું.

નિષ્ણાતોએ હાથની સ્વચ્છતા જાળવવા અને ચેપ નિયંત્રણના નિયમો પાળવા પણ કહ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત ફાર્માસિસ્ટ અને પેરામેડિકલ સ્ટાફે એન્ટિમાઈક્રોબિયલ રેઝિસ્ટન્સ સામે સામૂહિક પ્રયાસો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.