સુરત શહેરમાં રખડતા શ્વાનનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે પાંડેસરા વિસ્તારમાં વધુ એક માસૂમ બાળક શ્વાનના હુમલાનો ભોગ બન્યું છે. પાંડેસરા સ્થિત ત્રિપુરી નગરમાં શેરીમાં રમી રહેલા 6 વર્ષીય સાહિલ કુમાર પર અચાનક એક રખડતા શ્વાને હુમલો કરી દીધો હતો. શ્વાને બાળકના ગાલ પર બચકાં ભરી લેતા બાળક લોહીલુહાણ થઈ ગયું હતું અને તેની ચીસાચીસથી આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આંગણવાડીમાં અભ્યાસ કરતા સાહિલ પર થયેલા આ અચાનક હુમલાને પગલે પરિવારજનો તાત્કાલિક તેને સારવાર અર્થે લઈ ગયા હતા.
વિસ્તારમાં શ્વાનના વધતા ત્રાસથી વાલીઓમાં ભારે ચિંતા આ ઘટના બાદ સ્થાનિક રહીશો અને વાલીઓમાં ભારે રોષ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. મૂળ ઉત્તર પ્રદેશના વતની અને સુરતની એક કંપનીમાં કામ કરતા ઈજાગ્રસ્ત બાળકના પિતા પ્રેમ સાગરે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, મારો દીકરો ગલીમાં રમી રહ્યો હતો, ત્યારે અચાનક શ્વાને આવીને તેને બચકું ભરી લીધું હતું. અમારી સોસાયટીમાં શ્વાનનો આતંક ખૂબ જ વધી ગયો છે અને વિસ્તારમાં ઘણા બધા રખડતા શ્વાન ફરે છે. નાના બાળકો ઘરની બહાર રમવા નીકળતા પણ હવે ડરી રહ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
ચોંકાવનારી બાબત એ છે કે વિસ્તારમાં રખડતા શ્વાનનો આટલો ત્રાસ હોવા છતાં અને 6 વર્ષના બાળક પર હુમલાની ગંભીર ઘટના બનવા છતાં સુરત મહાનગરપાલિકામાં આ અંગે હજુ સુધી કોઈ અધિકૃત ફરિયાદ નોંધાવવામાં આવી નથી. પિતા પ્રેમ સાગરે પણ સ્વીકાર્યું હતું કે તેમણે શ્વાનના ત્રાસ અંગે અગાઉ ક્યારેય પાલિકામાં રજૂઆત કરી નથી. જોકે, આ ઘટના બાદ સ્થાનિક લોકો તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી રખડતા શ્વાનને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.

