બેતાલીસ લેઉવા પાટીદાર યુવા મંડળ અને મહિલા સંગઠન,પાટણના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ 22નવેમ્બર 2026ના રોજ સંડેર સ્થિત ખોડલધામ સંકુલ ખાતે ‘દીકરીનો માંડવો’ શીર્ષક હેઠળ ભવ્ય રાત્રિ સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અંદાજે 90 વીઘા વિસ્તારમાં ગ્રામીણ સંસ્કૃતિની થીમ પર આયોજિત આ સમારોહમાં 74 નવયુગલો લગ્નગ્રંથિથી જોડાશે, જેમાં અંદાજે 40,000 જેટલા સમાજબંધુઓ ઉપસ્થિત રહેશે.દાતા ઓના દાન થી 3.5 કરોડ ના ખર્ચે સમૂહ લગ્ન થવાનો અંદાજ છે.

પાટણ જિલ્લાના બેતાલીસ લેઉવા પાટીદાર યુવા મંડળ અને મહિલા સંગઠન દ્વારા આયોજિત આ સમૂહલગ્નોત્સવ અંદાજે 90 વીઘા એટલે કે 23.84 લાખ ચોરસ ફૂટના વિશાળ મેદાનમાં યોજાશે. આ સમારોહમાં 3 વિદેશી યુગલો, 2 ડોક્ટર દીકરીઓ અને 3 સરકારી કર્મચારી દીકરાઓ પણ લગ્નગ્રંથિથી જોડાઈ રહ્યા છે. આ ઉપરાંત, પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી 8 દીકરીઓ અને 7 દીકરાઓ પણ સમાજના સહયોગથી પ્રભુતામાં પગલાં માંડશે. સમૂહલગ્ન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ અડીયાના જણાવ્યા મુજબ, એક દીકરીના લગ્ન પાછળ થતા સરેરાશ 5 લાખ રૂપિયાના ખર્ચ મુજબ 74 દીકરીઓના લગ્ન એકસાથે યોજાવાથી પરિવારોને અંદાજે 3.70 કરોડ રૂપિયાની આર્થિક બચત થશે.

નવદંપતીઓની સુરક્ષા અને આર્થિક સહાય માટે આયોજકો દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ 74 યુગલો માટે વ્યક્તિદીઠ 15 લાખ રૂપિયાની ગ્રૂપ એક્સિડન્ટ ગાર્ડ પોલિસી લેવામાં આવી છે, તેમજ સમગ્ર આયોજન માટે 10 કરોડ રૂપિયાનો અલગ વીમો પણ ઉતારવામાં આવ્યો છે. દાતાઓના સહયોગથી દરેક નવદંપતીને કન્યાદાન સ્વરૂપે રોકડ રકમ સહિત અંદાજે 3.50 લાખ રૂપિયાથી વધુની કિંમતની 100થી વધુ જીવનજરૂરી ચીજવસ્તુઓ ભેટ આપવામાં આવશે.

સમગ્ર પરિસરને પરંપરાગત ગ્રામીણ સંસ્કૃતિની ઝાંખી કરાવતી થીમ પર તૈયાર કરવામાં આવ્યું છે. મુખ્ય પ્રવેશદ્વારથી અંદર પ્રવેશતા જ ખોડિયાર માતાની પ્રતિમાના દર્શન થાય તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે, અને પ્રવેશદ્વારની આસપાસ મોટી સંખ્યામાં વૃક્ષો મૂકીને હરિયાળું વાતાવરણ ઊભું કરાયું છે. પ્રવેશદ્વારની ડાબી બાજુએ મહેમાનો અને મુલાકાતીઓ માટે ચા,કોફી અને નાસ્તા-પાણીના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે.લગ્ન વિધિ માટે 74નવદંપતીઓ માટે અલગ-અલગ 74 ચોરીઓ તૈયાર કરવામાં આવી છે, જેને વિશેષ પ્રકારના ફૂલોથી શણગારીને તેમાં નવી ખુરશીઓ મૂકવામાં આવી છે. વર-કન્યા અને પરિવારજનો પોતાની ચોરી સરળતાથી શોધી શકે તે માટે દરેક ચોરી પાસે નવદંપતીના નામ અને ગામના નામ સાથેના બેનરો લગાવવામાં આવ્યા છે. ઉપરાંત, બે ચોરીઓની હરોળ વચ્ચે સગા-વહાલાઓ બેસી શકે તે માટે પૂરતી જગ્યા રાખવામાં આવી છે, તેમજ આમંત્રિત મહેમાનો માટે વિશાળ સ્ટેજ, સોફા અને ખુરશીઓની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

