સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા NDPS એક્ટના ગુનામાં 5.56 ગ્રામ MD ડ્રગ્સ સપ્લાય કરનાર વોન્ટેડ આરોપી ‘બાબુ’ સહિત ત્રણ ડ્રગ્સ પેડલરોને પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધા છે. આરોપીઓનું પૂરું નામ કે સરનામું ન હોવા છતાં પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસની મદદથી આ સમગ્ર ડ્રગ્સ સપ્લાય નેટવર્કનો પર્દાફાશ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અગાઉ ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં નામ ખૂલ્યું ને દબોચાયા ગત 17 નવેમ્બર 2026ના રોજ પોલીસે લાલગેટ વિસ્તારના 25 વર્ષીય અમાન હાજીનઝીર અંસારીને રૂ. 16,680ની કિંમતના 5.56 ગ્રામ MD ડ્રગ્સ સાથે ઝડપી પાડી મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ ગુનાની તપાસમાં અમાનને ડ્રગ્સ સપ્લાય કરનાર તરીકે ‘બાબુ’ નામના શખ્સનું નામ ખૂલ્યું હતું, જેને વોન્ટેડ જાહેર કરાયો હતો. વોન્ટેડ આરોપીનું પૂરું નામ-સરનામું ઉપલબ્ધ ન હોવા છતાં પોલીસની અલગ-અલગ ટીમોએ ખંતપૂર્વક કામગીરી કરીને ખાનગી બાતમીના આધારે મુખ્ય સપ્લાયર સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.
પકડાયેલા આરોપીઓ અને ગુનાહિત ઇતિહાસ પોલીસ સકંજામાં આવેલા આરોપીઓમાં મુગ્લીસરા લાલગેટના 36 વર્ષીય સોહેલ ઉર્ફે બંટી ઉર્ફે બાબુ સમસુદ્દિન શેખ, ગોપીપુરા અઠવાના 34 વર્ષીય મોહંમદ અલ્તમસ મોહંમદ હનીફ શેખ અને શાહપોર લાલગેટના 21 વર્ષીય અલ્ફાઝ ઉર્ફે ભુરીયો ઇકબાક ગુંદાલીયાનો સમાવેશ થાય છે. આ ત્રિપુટી પૈકી આરોપી અલ્ફાઝ ઉર્ફે ભુરીયો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે; તેની સામે અગાઉ વર્ષ 2025માં ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ અને વર્ષ 2023માં લાલગેટ પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ તથા મારામારીનો ગુનો નોંધાયેલો છે.

