બરવાળા-હેબતપુર માર્ગ પર આજે 21 નવેમ્બરે વહેલી સવારે અંદાજે 7 વાગ્યાની આસપાસ એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના બની હતી. હેબતપુર-બરવાળા રોડ પર આવેલી પારેવડું હોટલ નજીકથી પસાર થઈ રહેલી એક સફેદ રંગની ઈકો કારના ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર રસ્તાની બાજુમાં ઉતરી ગઈ હતી અને ત્યાં આવેલા વીજ થાંભલા સાથે ધડાકાભેર અથડાઈ હતી.
આ ટક્કર એટલી જોરદાર હતી કે, વીજ થાંભલો મૂળમાંથી તૂટીને નમી ગયો હતો અને તેના પરના વીજ તાર પણ લટકી પડ્યા હતા. બીજી તરફ, ઈકો કારના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો તેમજ આગળનો કાચ પણ તૂટી ગયો હતો. અકસ્માત બાદ કાર થાંભલાના તૂટેલા ભાગ અને કોંક્રીટના પાયા પર અડધી લટકતી હાલતમાં ફસાઈ ગઈ હતી.

સદનસીબે કોઈ જાનહાનિ નહીં અકસ્માતનો જોરદાર અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોએ ત્વરિત બચાવ કામગીરી હાથ ધરી કારમાં સવાર તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આ ભયાનક અકસ્માતમાં કાર અને વીજ તંત્રની મિલકતને મોટું નુકસાન થયું હોવા છતાં, સદનસીબે કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થતા મોટી જાનહાનિ ટળી હતી.

