TAT-HS પરીક્ષાના પરિણામ અને મૂલ્યાંકન પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા તેમજ ઉમેદવારોના હિતોનું રક્ષણ કરી તેમને યોગ્ય ન્યાય અપાવવાની માંગ સાથે હ્યુમન રાઈટ્સ ફેડરેશન (USA) દ્વારા ગુજરાતભરમાં રજૂઆતોનું અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. જેના ભાગરૂપે રાજકોટના નાયબ કલેક્ટરશ્રી, લાઠીના મામલતદારશ્રી તથા અમદાવાદના જિલ્લા કલેક્ટરશ્રી સમક્ષ સત્તાવાર આવેદનપત્રો રજૂ કરવામાં આવ્યાં હતાં.
તાજેતરમાં યોજાયેલી TAT-HS પરીક્ષાના પરિણામ અને મૂલ્યાંકન પદ્ધતિ અંગે ઉમેદવારોમાં જોવા મળતા પ્રશ્નો અને અસંતોષને ધ્યાનમાં રાખીને ફેડરેશન દ્વારા ઉમેદવારોના હિતમાં પાંચ મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી હતી.
લાઠી ખાતે સીરીનબેન મોગલ અને પરીતાબેન ઝગડા દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. જ્યારે અમદાવાદની રજૂઆતમાં મોનિકાબેન, ચંદ્રકલાબેન, એકતાબેન અને રેખાબેનનાં નામનો પણ આવેદનપત્રમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. રાજકોટ ખાતે પણ નાયબ કલેક્ટરશ્રી સમક્ષ સત્તાવાર રજૂઆત કરવામાં આવી હતી.
ફેડરેશનની પાંચ મુખ્ય માંગણીઓ:
1. અલગ-અલગ ગુણ જાહેર કરો: પેપર-1 અને પેપર-2ના ગુણ અલગ-અલગ જાહેર કરવામાં આવે અને કુલ ગુણની સ્પષ્ટ વિગતો આપવામાં આવે.
2. ઉત્તરવહીની નકલ આપો: તમામ ઉમેદવારોને તેમની ઉત્તરવહીની નકલ ઉપલબ્ધ કરાવવામાં આવે, જેથી મૂલ્યાંકન પ્રક્રિયામાં પારદર્શિતા જળવાય.
3. ગુણની ગણતરીમાં ચોકસાઈ રાખો: ગુણની ગણતરીમાં કોઈ ભૂલ ન થાય તેની તકેદારી રાખવામાં આવે અને ઉમેદવારોને મૂલ્યાંકન સંબંધિત ભૂલો સામે રજૂઆત કરવાની તક આપવામાં આવે.
4. પરીક્ષા રદ ન કરો: કોઈપણ સંજોગોમાં TAT-HS પરીક્ષા રદ કરવામાં ન આવે. જો કોઈ ભૂલ કે અનિયમિતતા જણાય તો તેની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરી યોગ્ય સુધારા કરવામાં આવે.
5. રી-એસેસમેન્ટની મંજૂરી આપો: ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઉમેદવારોની ઉત્તરવહીઓનું રી-એસેસમેન્ટ (પુનઃમૂલ્યાંકન) કરવાની મંજૂરી આપવામાં આવે, જેથી સંભવિત મૂલ્યાંકન ભૂલો સુધારી ઉમેદવારોને યોગ્ય ગુણ મળી શકે.
ફેડરેશન દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું કે પરીક્ષામાં મહેનત કરનાર દરેક ઉમેદવારને પારદર્શક મૂલ્યાંકન અને ન્યાય મેળવવાનો અધિકાર છે. મૂલ્યાંકન સંબંધિત સંભવિત ભૂલોના કારણે કોઈપણ લાયક ઉમેદવારનું ભવિષ્ય જોખમમાં મુકાવું જોઈએ નહીં. આથી તંત્ર અને ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડે ઉમેદવારોની રજૂઆતોને ગંભીરતાથી લઈ યોગ્ય નિર્ણય લેવો જોઈએ.
આ તમામ આવેદનપત્રોની નકલ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ જાણ તથા જરૂરી કાર્યવાહી અર્થે મોકલવામાં આવી છે.
મહેન્દ્ર આયલાણીનું નિવેદન
હ્યુમન રાઈટ્સ ફેડરેશન (USA)ના ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ મહેન્દ્ર આયલાણીએ જણાવ્યું હતું કે, “TAT-HS ઉમેદવારોના ન્યાય અને અધિકારો માટે હ્યુમન રાઈટ્સ ફેડરેશન દ્વારા ગુજરાતભરમાં અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં જવાબદાર અધિકારીઓ સમક્ષ આવેદનપત્રો આપીને ઉમેદવારોની માંગણીઓ સરકાર સુધી પહોંચાડવામાં આવી રહી છે. ઉમેદવારોના ભવિષ્ય સાથે કોઈ બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. જ્યાં સુધી ઉમેદવારોને યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી ફેડરેશન લોકશાહી અને બંધારણીય માર્ગે પોતાની લડત સતત ચાલુ રાખશે. જરૂર પડ્યે આ મુદ્દે ઉચ્ચ સ્તર સુધી રજૂઆતો કરવામાં આવશે.”
હ્યુમન રાઈટ્સ ફેડરેશન (USA)
મહેન્દ્ર આયલાણી
International President

