Gujarat

સોમનાથમાં પાંચ દિવસીય મેળો શરૂ; હસ્તકલા, ખાણીપીણીના સ્ટોલ અને સાંસ્કૃતિક કાર્યક્રમો આકર્ષણનું કેન્દ્ર

પ્રભાસ તીર્થ સોમનાથ ખાતે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત પાંચ દિવસીય કાર્તિકી પૂર્ણિમા મેળો-2026ના પ્રથમ દિવસે જ માનવ મહેરામણ ઉમટ્યું હતું. મેળાના પ્રથમ દિવસે 1.53 લાખથી વધુ શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓએ મુલાકાત લઈ મેળાની વિવિધ રંગતનો આનંદ માણ્યો હોવાનું સોમનાથ ટ્રસ્ટ દ્વારા જણાવાયું હતું. સૌરાષ્ટ્ર સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતાં સમગ્ર મેળા પરિસર લોકઉત્સવના રંગે રંગાયું હતું.

કાર્તિકી પૂર્ણિમાના પવિત્ર અવસરે પ્રભાસ તીર્થમાં યોજાતો આ મેળો ધાર્મિક આસ્થા સાથે લોકસંસ્કૃતિ, પરંપરા અને મનોરંજનનો અનોખો સંગમ બની રહ્યો છે. મેળામાં વિવિધ હસ્તકલા અને ખાણીપીણીના સ્ટોલ, મનોરંજનનાં સાધનો તથા સાંસ્કૃતિક કાર્યક્રમો સહેલાણીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. પરિવારજનો અને બાળકો સાથે આવેલા લોકોએ મેળાની વિવિધ પ્રવૃત્તિઓનો ભરપૂર આનંદ માણ્યો હતો.

મેળામાં સહેલાણીઓની વિશાળ ભીડને ધ્યાનમાં રાખીને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુવિધા, સુરક્ષા અને સ્વચ્છતાને પ્રાથમિકતા આપી વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે CCTV કેમેરા, વોચ ટાવર, કંટ્રોલ રૂમ અને જાહેર ઉદ્ઘોષણા વ્યવસ્થા કાર્યરત રાખવામાં આવી છે. આ ઉપરાંત કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા અગ્નિશમન અને ઇમરજન્સી સેવાઓ પણ તૈનાત રાખવામાં આવી છે.

પ્રથમ દિવસે જ 1.53 લાખથી વધુ સહેલાણીઓની ઉપસ્થિતિ મેળાની લોકપ્રિયતા અને લોકોમાં રહેલા ઉત્સાહની સાક્ષી બની છે. આગામી દિવસોમાં પણ મેળામાં મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટવાની સંભાવના વચ્ચે સોમનાથની પાવન ધરા પર શ્રદ્ધા, સંસ્કૃતિ અને લોકઉત્સવનો માહોલ છવાયો છે.