વિસાવદર તાલુકાના રબારીકા ગામે ખેડૂતના કરુણ મોતની ઘટના બાદ આજે ગીર પશ્ચિમ વન વિભાગના વિસાવદર રેન્જ વિસ્તારમાં આવેલ ફુલઝર નદીના કિનારે સિંહણ પાંજરામાં પકડવામાં આવી છે. આ ઘટનાને લઈને સ્થાનિક વિસ્તારમાં ચાલી રહેલી ચિંતા વચ્ચે વન વિભાગની કામગીરીથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

ત્રણ દિવસ પહેલા વિસાવદર તાલુકાના રબારીકા ગામમાં પોતાના ખેતરમાં ખેતીકામ કરી રહેલા 55 વર્ષીય આધેડ ખેડૂત પર અચાનક સિંહણે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ખેડૂતનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું, જેના પગલે સમગ્ર પંથકમાં શોક અને ભયનો માહોલ ફેલાયો હતો.
બનાવની જાણ થતા જ વન વિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સિંહણને પકડવા માટે આસપાસના વિસ્તારમાં ૫ પાંજરાં ગોઠવવામાં આવ્યા હતા તેમજ રેસ્ક્યુ ટીમ તૈનાત કરીને સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું હતું. સતત દેખરેખ અને રેસ્ક્યુ કામગીરીના પરિણામે આજરોજ ફુલઝર નદીના કિનારે સિંહણને પાંજરામાં સફળતાપૂર્વક પકડવામાં આવી છે.

પકડાયેલ સિંહણને આગળની જરૂરી તપાસ, નિરીક્ષણ તથા કાર્યવાહી માટે સાસણ રેસ્ક્યુ સેન્ટર ખાતે ખસેડવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વિસાવદરનો આ વિસ્તાર ગીરના જંગલ અને તેની સરહદ નજીક આવેલો હોવાથી અગાઉ પણ વન્યજીવો અને હિંસક પ્રાણીઓના હુમલાઓના અનેક બનાવો બનેલા છે, તથા ખેતરો અને રહેણાંક વિસ્તારો આસપાસ વન્યજીવોની અવરજવર સતત રહેતી હોવાથી હિંસક પ્રાણીઓના હુમલાના આવા બનાવો સ્થાનિકો માટે ચિંતાનો વિષય બન્યા છે.

