જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી)નું ‘હિતચિંતક અભિયાન-2026’ 6 ડિસેમ્બર સુધી ચાલી રહ્યું છે. અભિયાન અંતર્ગત ગુજરાત ક્ષેત્રના ધર્માચાર્ય સંપર્ક પ્રમુખ ધીરુભાઈ કપુરીયાએ જામનગર મહાનગરનો પ્રવાસ કર્યો હતો. શહેરનાં ધાર્મિક અને સામાજિક સ્થળોએ સંપર્ક અને સંવાદ કાર્યક્રમો યોજાયા હતા.
‘ચાલો મંદિર જઈએ, હિન્દુ હિતની વાત કરીએ’ના સંકલ્પ સાથે યોજાયેલા કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં નાગરિકો સંગઠન સાથે જોડાયા હતા.

જામનગરના નવતનપુરી ધામ (ખીજડા મંદિર) ખાતે કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય જગદગુરુ આચાર્ય કૃષ્ણમણિજી મહારાજની મુલાકાત લેવામાં આવી હતી. તેમણે અભિયાનના સહ-સંયોજકને વિગતો આપી અને પોતે ધનરાશિ અર્પણ કરીને ‘હિતચિંતક’ બન્યા હતા. તેમણે હિન્દુ સમાજને ધર્મકાર્ય અને રાષ્ટ્રહિત માટે અભિયાનમાં જોડાવા આહ્વાન કર્યું હતું.
ગુરુ નાનક જયંતી નિમિત્તે ધીરુભાઈ કપુરીયા અને વીએચપીના પદાધિકારીઓએ જામનગરના ગુરુદ્વારામાં દર્શન કર્યા હતા. તેમણે શીખ સમાજના સભ્યોને પર્વની શુભેચ્છા પાઠવી હતી. ત્યારબાદ શ્રી ઝૂલેલાલ મંદિરમાં સિંધી સમાજે કાર્યકર્તાઓનું સન્માન કર્યું હતું. ત્યાં હાજર લોકોને ‘હિતચિંતક’ બનાવવામાં આવ્યા હતા.
ગોમતીપુરના કાલભૈરવ મંદિરે સિદ્ધનાથ પ્રખંડમાં રેખાબેન લાખાણીના સત્સંગ મંડળની મુલાકાત લેવાઈ હતી. ધીરુભાઈ કપુરીયાએ અભિયાનનો હેતુ સમજાવ્યો અને વિસ્તારની મહિલાઓ તથા પરિવારોને ‘હિતચિંતક’ બનાવ્યા હતા. કારસેવક મહિલાઓનું સન્માન પણ કર્યું હતું.

ત્યારબાદ જામનગર મહાનગર અધ્યક્ષ વિજયભાઈ બાબરીયાના નિવાસસ્થાને મુલાકાત લઈને બેડેશ્વર વિસ્તારમાં અભિયાન યોજાયું હતું. સ્થાનિક નાગરિકોના પ્રતિસાદ વચ્ચે મોટી સંખ્યામાં લોકો ‘હિતચિંતક’ બન્યા હતા.
કાર્યક્રમનું આયોજન સૌરાષ્ટ્ર પ્રાંત લીગલ સેલના અધિકારી અને વિભાગ વાલી એડવોકેટ ધર્મેશભાઈ ગોંડલીયા તથા મંત્રી રસિકભાઈ અમરેલીયાએ કર્યું હતું.

