રાજકોટના આજીડેમ પાસેના NSIC રાઉન્ડ ખાતે 10 માં મશીન ટૂલ્સ શોનો આજે 25 નવેમ્બરે પ્રારંભ થયો હતો. ચાર દિવસ સુધી સુધી ચાલનારા આ મશીન ટુલ્સ શોમાં દેશ – વિદેશની 500 કંપનીઓના 350 થી વધુ સ્ટોલ્સ રાખવામાં આવ્યા છે જેમાં જર્મની, સાઉથ આફ્રિકા, USA, સ્પેન, UK, જાપાન, સિંગાપોર સહિતના દેશોની 15 થી વધુ કંપનીઓ ઉપરાંત સ્ટાર્ટઅપના 50 સ્ટોલ રાખવામાં આવ્યા છે.
આ પ્રદર્શનમાં AI અને રોબોટિક્સની મદદથી સંચાલિત મશીનરીઓએ આકર્ષણ જગાવ્યું હતું. અહીં ચાર દિવસ દરમિયાન 70,000થી વધુ મુલાકાતીઓ મુલાકાત લે તેવી પૂરેપૂરી શક્યતા છે. વર્ષ 2030 સુધીમાં ચીનને ટક્કર આપવા માટે રાજકોટની મશીન ટૂલ્સ ઇન્ડસ્ટ્રીઓ સજ્જ છે.

રાજકોટ મશીન ટૂલ્સમાં બોર્ડ ઓફ ડિરેક્ટર કેતન ગજેરાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં સતત 10માં વર્ષે મશીન ટુલ્સ શો યોજાયો છે. જેમાં પાર્ટીસિપેન્ટની સાથે વિઝિટરો પણ વધતા જાય છે. આ ઉપરાંત દેશ-વિદેશથી અહીંયા લોકો મશીનોનું પ્રદર્શન કરવા માટે આવે છે.
પ્રધાનમંત્રીના વોકલ ફોર લોકલની અપીલ બાદ દિવસે દિવસે સારો બિઝનેસ મળતો જાય છે.અહીં CNC અને VMC છે. જેમાં જ્યોતિ સીએનસી, મેકપાવર, ગ્લોબલ અને વિન્ડસર જેવા મશીનો છે. જે રાજકોટમાંથી બનીને એક્સપોર્ટ પણ થાય છે.
વાઇબ્રન્ટ ગુજરાત અને સૌરાષ્ટ્ર રિજનલ વાઇબ્રન્ટથી ઘણા બધા બેનિફિટો થાય છે. અત્યાર સુધી વિદેશની મોટી કંપનીઓ આપણને નાની શાખામાં ગણતા હતા પણ હવે તે આપણને વર્લ્ડવાઈડ કંપની તરીકે જુએ છે.એઆઈ (AI) ટેકનોલોજીથી સજ્જ ઘણી બધી મશીનરીઓ આવેલી છે. અગાઉ સીએનસી પ્રોગ્રામિંગ મેન્યુઅલ કરવા પડતા હતા. જે એઆઈથી થવા માંડ્યા છે. રોબોટિક ટેકનોલોજીનો ઉપયોગ પણ ઘણો બધો સારો થવા માંડ્યો છે. લેબરોની શોર્ટેજના હિસાબે લોડિંગ-અનલોડિંગ અને પેકેજિંગ સહિતના કામોમાં રોબોટનો ઉપયોગ કરવા માંડ્યા છે.

