વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો માટે એક અગત્યની જાહેર સૂચના જારી કરવામાં આવી છે. મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા હાથ ધરવામાં આવનાર અનિવાર્ય વીજ જાળવણી અને સમારકામની કામગીરીના કારણે તારીખ 25 નવેમ્બર 2026, બુધવારના રોજ શહેરના કેટલાક વિસ્તારોમાં પાણીનું વિતરણ પ્રભાવિત રહેવાનું છે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અગાઉથી જ આ બાબતે માહિતગાર કરવામાં આવ્યા છે જેથી કરીને તેઓ પાણીનો યોગ્ય સંગ્રહ કરી શકે અને અસુવિધાથી બચી શકે.
5 કલાક વીજપુરવઠો બંધ રહેશે MGVCL દ્વારા બુધવારે સવારે 7:00 વાગ્યાથી બપોરે 12:00 વાગ્યા સુધી એટલે કે કુલ પાંચ કલાક માટે નિર્ધારિત વિસ્તારોમાં વીજપ્રવાહ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. વીજ પુરવઠો બંધ રહેવાને કારણે પાણી પૂરું પાડતી ટાંકી પ્રણાલીઓ પર સીધી અસર પડશે. આ વિઘ્નને કારણે સમા ટાંકી, છાણી જકાતનાકા તેમજ પૂનમ નગર ટાંકી ખાતેથી સવારે 10:00 થી 11:00 કલાક દરમિયાન કરવામાં આવતું નિયમિત પાણી વિતરણ તે દિવસે થઈ શકશે નહીં. જોકે, વીજપ્રવાહ પૂર્વવત થઈ ગયા બાદ તુરંત જ પાણીનું વિતરણ રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે.
ત્રણ ટાંકી હેઠળના વિસ્તાર પ્રભાવિત થશે આ અસ્થાયી પાણીકાપની અસર હેઠળ આવનાર મુખ્ય વિસ્તારોમાં અભિલાષા સોસાયટી, જાદવપાર્ક, નવરંગ સોસાયટી, ચાણક્યપુરી સોસાયટી, એમ.જી.એમ. સ્કૂલ વિસ્તાર, સમા કેનાલ રોડ (મધુવન ચોકડી પછીનો વિસ્તાર), સમા-સાવલી રોડ વિસ્તાર, સમા ગામ, જલારામ મંદિર પાસેનો વિસ્તાર તેમજ જી.આઈ.ડી.સી.એલ. સર્કલ પાસેનો વિસ્તાર સમાવિષ્ટ છે.
વડોદરા મહાનગરપાલિકાના વોટર સપ્લાય વિભાગ દ્વારા ઉપરોક્ત તમામ વિસ્તારોના નાગરિકોને નમ્ર અપીલ કરવામાં આવી છે કે તેઓ આ બાબતની ખાસ નોંધ લે અને પાલિકાને સહકાર આપે. નાગરિકોને અગાઉથી પૂરતા પ્રમાણમાં પાણીનો સંગ્રહ કરી રાખવા સલાહ આપવામાં આવી છે જેથી વીજ પૂરવઠો પુનઃસ્થાપિત થાય ત્યાં સુધી કોઈ મુશ્કેલી ન પડે.

